મગફળીના વેચાણમાં નાફેડને કમાણી

મગફળીના વેચાણમાં નાફેડને કમાણી
પાંચ હજારમાં ખરીદેલી મગફળીના દામ રૂા. 5200 સુધી બોલાયા! નાફેડ પાસે હજુ ત્રણ લાખ ટનનો સ્ટૉક

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 25 જૂન
મગફળીના નબળાં ઉત્પાદનનો લાભ હવે નાફેડ જેવી સહકારી સંસ્થાને મળવા લાગ્યો છે. બે વર્ષથી સતત મોટાપાયે મગફળી ખરીદી રહેલી નાફેડને સારા `દામ' ઊપજે છે. છેલ્લા એક મહિનાથી મગફળીની અછત વ્યાપક બની હોવાથી આ વર્ષે ખરીદવામાં આવેલી મગફળી હવે રૂા. 5000ના ટેકાના ખરીદભાવ કરતાં ઊંચે ખપી રહી છે. સંસ્થાને સરવાળે લાભ થયો છે. અલબત્ત, ગયા વર્ષની મગફળીમાં `વળતર' ઓછું છે.
ગયા મહિને આ સમયે નાફેડની જૂની એક ક્વીન્ટલ મગફળી રૂા. 3900-3950માં વેચાતી હતી. આજે રૂા. 4000-4100 થઇ ગયા છે. 2018માં ખરીદેલી મગફળી રૂા. 4675-4975માં ખપતી હતી. તેના વધીને રૂા. 4900-5270 ગુણવત્તાનુસાર થઇ ગયા છે. નાફેડે આ વર્ષે રૂા. 5000ના ટેકાના ભાવથી મગફળી ખરીદી હતી. હેરફેર, સંગ્રહ, ફ્યુમીગેશન વગેરે ખર્ચ કાઢતાં હવે નાફેડને ખાસ કશું ગુમાવવાનું રહ્યું નથી. થોડો ફાયદો પણ થઇ રહ્યો છે.
ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 16 લાખ ટન આસપાસ રહ્યાનો અંદાજ ટ્રેડ ઍસોસિયેશનોએ મૂક્યો છે. છતાં સરકારે પાંચેક લાખ ટન મગફળી ખરીદ કરી હતી. હવે બજારમાં માલની અછત સર્જાતા સંસ્થાને ફાયદો છે. હવે ખુલ્લા બજારમાં મગફળીની અછત છે એટલે નાફેડ વેપારીબુદ્ધિથી ધીરે ધીરે માલ વેચીને કમાઇ રહી છે.
નાફેડ પાસે ગુજરાતનાં વિવિધ ગોદામોમાં નવી મગફળીનો હજુ 3 લાખ ટનનો જથ્થો હોવાનો અંદાજ છે. જૂની મગફળીનો આશરે 70 હજાર ટનનો જથ્થો પડયો છે. રોજ ત્રણથી ચાર હજાર ટન મગફળી વેચવામાં આવી રહી છે. વેપારીઓ કહે છે, હવે વાવેતરનો સમય છે. સારો વરસાદ પડી જાય તો મગફળીની માગ ઘટી જશે ત્યારે નાફેડે વેચવામાં ઉતાવળ રાખવી જરૂરી છે.
દરમિયાન નાફેડ જેવી સરકારી સંસ્થામાંથી ખરીદ કરવામાં વેપારીઓને અનુભવવી પડતી સમસ્યાઓમાંથી છુટકારો મળતો નથી. જૂનાગઢ અને કેશોદમાં સરકારી મગફળી ખરીદનારા વેપારીઓને જીએસટી વિભાગે નોટિસો આપીને ટૅક્સ ભરવા કહ્યું છે. માર્ચ મહિનાથી જીએસટી નહીં ભરાયાનું બહાર આવ્યું છે. 
અલબત્ત, આવા કિસ્સાઓમાં નાફેડ જવાબદાર છે, કારણ કે નાફેડની મગફળી ખરીદતી વખતે 100 ટકા પેમેન્ટ અને પાંચ ટકા જીએસટી એકસાથે જ વેપારીઓએ જમા કરાવી દેવાના હોય છે. નાફેડે પેમેન્ટ ન કરતા વેપારીઓને નોટિસ મળી છે. આશરે એકથી સવા લાખ ટન મગફળીના જથ્થા માટે આ નોટિસો વિવિધ વેપારીઓને ગઇ હોવાનું અનુમાન છે.
દરમિયાન ગાંધીધામમાં મગફળીના ગોદામમાંથી માટી-ધૂળ નીકળ્યાં પછી ત્યાં ડિલિવરી આપવાનું બંધ કરી દેવાતા ઍડવાન્સ પેમેન્ટ કરી ચૂકેલા વેપારીઓના કે મિલરોના પૈસા ફસાઇ ગયાની ફરિયાદો ઊઠી છે. વેપારીઓ મુદત પૂરી થયા પછી માલ ઉપાડે તો ગૂણીએ રૂા. 9નું ભાડું પણ વસૂલાય તેવી શક્યતાએ વેપારીઓ ડરી ગયા છે.
ખુલ્લા બજારમાં મગફળીની અછતને લીધે ભાવ ખાંડીએ રૂા. 21,800 સુધી પહોંચી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં ગયા અઠવાડિયામાં રૂા. 21,300નો ભાવ ચાલી રહ્યો હતો. માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક આઠ-દસ હજાર ગૂણી કરતાં વધારે થતી નથી. 
નાફેડ વેચાણમાં ઝડપ નહીં વધારે તો મુશ્કેલી વધશે
મગફળી વેચવામાં નાફેડની પ્રક્રિયા ખૂબ ધીમી છે પરિણામે દાણા ઉત્પાદકો અને તેલ મિલરો અકળાયા છે. ચોમાસું બેસી ગયું છે ત્યારે હવે વાવેતરમાં વેગ આવતો જાય છે. બીજી તરફ ખુલ્લા બજારમાં ભારે અછત છે. આ સંજોગમાં નાફેડ ઝડપથી માલ નહીં વેચે તો સ્ટૉક ગળે ભરાય તેવી શક્યતા હોવાનું દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતુ. નાફેડ ફક્ત 3થી 4 હજાર ટન મગફળી વેચે તે પૂરતું નથી, કારણ કે સંસ્થા પાસે સ્ટોક 3 લાખ ટન કરતાં વધારે છે. એનો નિકાલ જરૂરી છે. વરસાદના સારા બે રાઉન્ડ આવી જાય તો નાફેડની મગફળીની ખપત અટકી જવાની પૂરી શક્યતા છે.
મગફળીની અછતને લીધે સીંગતેલમાં તેજી
કાચા માલની તંગી ખુલ્લા બજારમાં વધી જતાં સીંગતેલના ભાવ નોંધપાત્ર વધી ગયા છે. સૌરાષ્ટ્રની બજારમાં નવા ટીનનો ભાવ રૂા. 1800-1810 સોમવારે હતો. ગયા વર્ષે આ સમયે સીંગતેલનો ડબ્બો રૂા. 1460-1470માં મળતો હતો. સીંગતેલની તેજીનું કારણ નબળો પાક પણ માનવામાં આવે છે. પાક ગયા વર્ષ કરતાં અર્ધો છે અને મગફળીનો મોટા ભાગનો જથ્થો નાફેડ પાસે છે. માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક ખૂબ જ નબળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer