સારા ચોમાસાની આગાહીથી નિફટી 97 પૉઈન્ટના ઉછાળે 11,796.45

સારા ચોમાસાની આગાહીથી નિફટી 97 પૉઈન્ટના ઉછાળે 11,796.45
વાહન, બૅન્કિંગ અને રિફાઈનરી શૅરોમાં સુધારો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 25 જૂન
વૈશ્વિક-એશિયન બજારની નબળાઈને અવગણીને સ્થાનિક શૅરબજારમાં આજે સંગીન સુધારો નોંધાયો હતો. હવામાન ખાતાએ કરેલી સારા ચોમાસાની તાજી આગાહી અને વ્યાજદરમાં વધુ ઘટાડાની આશાએ એનએસઈ અને નિફટી 97 પૉઈન્ટ વધીને 11,796.45 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 312 પૉઈન્ટ વધીને 39,435 બંધ રહ્યો હતો. ગઈ કાલે ઘટેલ વાહન ક્ષેત્રના શૅરો આજે સુધરવા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમ જ ખાનગી બૅન્કિંગ અને સેવા ક્ષેત્રની કંપનીઓમાં સારી લેવાલી જોવાઈ હતી. આજના સુધારા અગાઉ નિફટી 11,651ની મહત્ત્વપૂર્ણ સપાટીથી ઊંચો આવ્યો છે. એશિયન બજારોની નરમાઈ છતાં સ્થાનિકમાં તમામ ક્ષેત્રવાર સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા. નાણાંસેવા, વાહન, મેટલ અને ખાનગી બૅન્ક ક્ષેત્રના સૂચકાંક 1 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષ 96 પૉઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ 45 પૉઈન્ટ વધ્યા હતા. એનએસઈ ખાતે 911 શેર વધવા સામે 834 શૅરના ભાવ ઘટાડે હતા.
નિફટીના મુખ્ય શૅરમાંથી 38 શૅરમાં સુધારા સામે માત્ર 12 શૅર થોડા ઘટયા હતા. સુધારાની આગેવાની લેતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 33, મારુતિ સુઝુકી રૂા. 62, ટિસ્કો રૂા. 12, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 4, બીપીસીએલ રૂા. 12, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 9, એક્સિસ બૅન્ક રૂા. 19, એચડીએફસી રૂા. 24, બ્રિટાનિયા રૂા. 27 અને ગેઈલ રૂા. 3 વધ્યા હતા. સુધારા છતાં નબળાઈ દર્શાવનાર શૅરોમાં એશિયન પેઈન્ટ રૂા. 13, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 12, એલએન્ડટી રૂા. 13, એચયુએલ રૂા. 7 અને ટીસીએસમાં રૂા. 8નો ઘટાડો નોંધાયો છે. વ્યક્તિગત શૅરમાં એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ 5 ટકા ઘટયો હતો. ઈમામી લિમિટેડ 12 ટકા વધ્યો હતો, જ્યારે ટ્રેન્ટનો શૅર 2 ટકા સુધારે હતો.
વિશ્લેષકોના અભિપ્રાય પ્રમાણે 11,810થી 11,855નો મુખ્ય પ્રતિકાર ઝોન કટોકટીરૂપ ગણાય, જેની ઉપર શૅરબજારમાં 11,900ના આંક પર સૌથી મોટો પ્રતિકાર જોવાશે.
એશિયન બજારોમાં નબળાઈ
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો વધારવાનો સંકેત આપતાં હૉંગકૉંગ ખાતે હૅંગસૅંગ ઈન્ડેક્ષ 327 પૉઈન્ટ ઘટયો હતો. ચીનમાં શાંઘાઈ ઈન્ડેક્ષ 26 પૉઈન્ટ અને જપાનમાં નિક્કી 92 પૉઈન્ટ ઘટયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer