ચોમાસાએ શેરડી, કપાસ, સોયાબીનના મોટા ભાગના વાવેતર વિસ્તારને આવરી લીધો

ચોમાસાએ શેરડી, કપાસ, સોયાબીનના મોટા ભાગના વાવેતર વિસ્તારને આવરી લીધો
એજન્સીસ
નવી દિલ્હી, તા. 25 જૂન
ચોમાસાએ પશ્ચિમ ભારતના મોટા ભાગના શેરડી, કપાસ અને સોયાબીન વાવેતર ક્ષેત્રને આવરી લીધું છે, તેમ જ મધ્ય અને ઉત્તર ભારતના ડાંગરના મુખ્ય વાવેતર ક્ષેત્રના અમૂક ભાગને પણ આવરી લીધો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 
પહેલી જૂનથી 19 જૂન સુધીમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ 44 ટકાની સરખામણીએ 37 ટકા રહ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે, નૈઋઍત્યનું ચોમાસું ગુજરાતમાં અને મધ્ય પ્રદેશ તેમ જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના અમૂક ભાગોમાં આવ્યું છે. શેરડી, મકાઈ, કપાસ, ચોખા અને સોયાબીનના ખેડૂતો માટે જૂન-જુલાઈમાં વરસાદ અતિ મહત્ત્વનો છે. લણણી અૉક્ટોબરથી થાય છે.
દેશની 50 ટકા જેટલી ખેતીલાયક જમીનમાં સિંચાઈ વ્યવસ્થાની અછત છે અને દેશમાં વાર્ષિક વરસાદ 70 ટકા જેટલો પડે તો ભારતના કૃષિ ક્ષેત્ર માટે તે સારા સમાચાર ગણાય છે. 
ભારતના 2.6 લાખ કરોડ ડૉલરના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો 15 ટકા હિસ્સો છે, જેમાં 65 કરોડ લોકોને રોજગાર મળે છે. ભારતીય હવામાન ખાતાએ જૂનથી શરૂ થતા ચોમાસાના ચાર મહિના માટે સરેરાશ અથવા સામાન્ય વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગ સરેરાશ ચોમાસા માટે 96 ટકાથી 104 ટકાની એવરેજ કહે છે.
નબળા વરસાદને લીધે ઉનાળું પાકોની વાવણી વિલંબમાં મૂકાઈ હતી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં જોરદાર વરસાદ આવે તો પાકની ઉપજ સારી રહેશે. ઉનાળામાં પાણીની અછત હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદ ગયા વર્ષના ચોમાસાની સરખામણીએ સરેરાશ કરતા ઓછો છે. 
21 જૂન સુધીમાં ખેડૂતોએ 91 લાખ હૅક્ટરમાં વાવણી કરી છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ 12.5 ટકા ઓછી છે, એમ કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણના આંકડા દર્શાવે છે. કપાસની વાવણી 12 ટકા અને સોયાબીનની 57 ટકા ઓછી છે. 
ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર અને ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. દેશમાં ખાદ્ય તેલની કુલ જરૂરિયાતમાંથી 60 ટકાની આયાત કરવામાં આવે છે, જેનો કુલ વાર્ષિક ખર્ચ 10 અબજ ડૉલરથી પણ વધુનો છે. તેમ જ ક્રૂડતેલ અને સોના પછી ખાદ્ય તેલની આયાત સૌથી વધુ કરવામાં આવે છે. તેલિબિયાના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખીતેલની આયાતમાં વધારો થઈ શકે છે, એમ એક ડિલરે કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer