બે સપ્તાહમાં રાષ્ટ્રીય રિટેલ પોલિસી આવશે

બે સપ્તાહમાં રાષ્ટ્રીય રિટેલ પોલિસી આવશે
કેન્દ્ર સરકારે વેપારી સંગઠનો પાસેથી સૂચનો માગ્યાં

એજન્સીસ
નવી દિલ્હી, તા. 25 જૂન
નેશનલ રિટેલ પોલિસીનો ડ્રાફ્ટ આગામી 10 દિવસમાં પ્રકાશિત કરાશે અને તેના પર વેપારી સમુદાયનાં સૂચનો મગાવવામાં આવશે, એમ ડીપીઆઈઆઈટી સચીવ રમેશ અભિષેકે જણાવ્યું છે.
વાણિજ્ય મંત્રાલયે નેશનલ રિટેલ પોલિસીની ચર્ચા માટે વેપારી સંસ્થાઓ જોડે બેઠક યોજી હતી જેનું અધ્યક્ષપદ રમેશ અભિષેકે સંભાળ્યું હતું. આ બેઠકમાં કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ), સ્વદેશી જાગરણ મંચ, લઘુ ઉદ્યોગ ભારતી, રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા, સીઆઈઆઈ, ફીક્કી, એસોચેમ, પીએચડી ચેમ્બરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રમેશ અભિષેકે જણાવ્યું હતું કે નેશનલ રિટેલ પોલિસીનો હેતુ ભારતમાં રિટેલ વેપારને મુખ્ય ધારા જોડે જોડવાનો અને ધંધો કરવાની સરળતા પૂરી પાડવાનો છે. ભારતમાં રિટેલ વેપાર 650 અબજ ડૉલરનો છે અને તે અર્થતંત્રની જીવાદોરી છે.
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના સેક્રેટરી-જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે રિટેલ ટ્રેડના વર્તમાન ફોર્મેટના અપગ્રેડેશન અને આધુનિકીકરણને નેશનલ રિટેલ પોલિસીમાં આવરી લેવું જોઈએ. સરકારે શરૂ કરેલી ઈ-સિસ્ટમમાં 7 કરોડ વેપારીઓમાંથી માત્ર 35 ટકા વેપારીઓ જ તેમનો ધંધો કૉમ્પ્યુટરાઇઝ કરી શકયા છે. હજી 65 ટકા વેપારીઓને કૉમ્પ્યુટર સિસ્ટમથી જોડવા બાકી છે અને એ માટે સરકારે વેપારીઓને 50 ટકા સબસિડી આપવી જોઈએ.
સ્થાનિક વેપારને લગતા બધા કાયદાઓ, ધારાઓ, રૂલ્સનું પુનરાવલોકન કરવું જોઈએ અને નકામા થઈ ગયેલા કાનૂનો નાબૂદ કરવા જોઈએ. અત્યારે ધંધો કરવા માટે જે 28થી વધુ લાઇસન્સોની જરૂરત પડે છે તેના બદલે એક જ લાઇસન્સ હોવું જોઈએ. લાઇસન્સ દર વર્ષે રિન્યૂ કરાવવાની ઝંઝટ હોવી ન જોઈએ. વધુ મહિલાઓ સાહસિક બને તેવી પોલિસી હોવી જોઈએ. રિટેલ ટ્રેડ માટે કૌશલ્ય વિકાસ પરિષદની રચના કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક બિઝનેસ સામે ભારતીય રિટેલ ક્ષેત્ર ઊભો રહી શકે તે માટે સરકારે વિદેશ સ્ટડી ટૂર્સ, ફેર, પ્રદર્શનો, સેમિનારો યોજવા જોઈએ અને શ્રેષ્ઠ ગ્લોબલ ટ્રેડ પ્રેકટીસ અપનાવવી જોઈએ, એમ કેઇટે જણાવ્યું હતું.
વેપારીઓ માટે નાણાંની સમસ્યા મોટી હોય છે. આથી બૅન્કોએ નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટયૂશનોને નાણાં ધીરવાં જોઈએ અને ત્યાંથી એ નાણાં વેપારીઓને ધીરવાં જોઈએ. ડિજિટલ પેમેન્ટને વેગ મળે તે માટે કાર્ડ પેમેન્ટ સોદા પરના બૅન્ક ચાર્જ પર સબસિડી સરકારે સીધી બૅન્કોને આપવી જોઈએ. દેશના દરેક જિલ્લામાં ટ્રેડ કમિશનર અને ડિસ્ટ્રીક્ટ ટ્રેડ એડવાઇઝરી કમિટીની જોગવાઈ હોવી જોઈએ. વેપારીઓ વચ્ચેના કાનૂની વિવાદો ઉકેલવા દરેક રાજ્યમાં ટ્રેડ ટ્રિબ્યુનલ ઊભી કરવી જોઈએ, એમ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer