સોમાની ચૂંટણીમાં ફરી તારીખ પડી

પ્રક્રિયા વિલંબિત કરવાનો પ્રયાસ? : 22 જુલાઇએ હવે સુનાવણી થશે 

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 જુલાઇ
સૌરાષ્ટ્ર અૉઇલ મિલર્સ ઍસોસિયેશનની ચૂંટણી યોજાવા પૂર્વે ચેરિટી કમિશનરનો સ્ટે આવતાં હવે તારીખ પે તારીખનો ઘાટ છે. ચૂંટણીને વિલંબમાં મૂકવા માટે ચોક્કસ લોબી પડદા પાછળ કામકાજ કરી રહી હોય તેમ લાગે છે. કારણકે ગત તા. 3ના સુનાવણીની તારીખ હતી તેમાં 8મીની મુદ્દત પડયા પછી ફરી તારીખ પડતાં હવે 22 જુલાઇએ સુનાવણી થશે એમ જાણવા મળ્યું છે. આમ હવે ચૂંટણી વિલંબમાં પડી રહી છે.
સોમાની ચૂંટણીમાં બે ઉમેદવારો ફાઇનલ હતા. ચૂંટણી યોજાવાની હતી એના 48 કલાક પહેલાં જ પ્રમુખ સમીર શાહે અગાઉની બોર્ડની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પોતાને વિશ્વાસમાં લીધા વિના સહમતી પણ ન લઇને લેવાયા હોવાના કારણ ઉપર સ્ટે લીધો છે. એ માટે તેમણે બે ઉપપ્રમુખ અને સોમાના ચૂંટણી કમિશનર અશ્વિનભાઇ સાવલીયા, ભૂપતભાઇ મેતલીયા અને પુરોહિત એન્ડ કંપની પાસેથી જવાબ માગ્યો છે.
સોમવારે સુનાવણી હતી ત્યારે ફરી તારીખ માગવામાં આવી હતી. જોકે, કોણે અને શા માટે તારીખ માગી તે જાણવા મળ્યું નથી. અગાઉ સોમા પ્રમુખ જે ઉમેદવારના સમર્થનમાં હતા તેમની છાવણીમાં જ વિરોધાભાસ થયો અને હવે ચૂંટણી અટકી રહી છે. ભૂતકાળમાં એવું રહેતું કે  સોમાની ચૂંટણી સામાન્ય રીતે બિનહરીફ રહેતી. એ પછી છેલ્લે આઠ વર્ષ પહેલાં ચૂંટણી થઇ ત્યારે બળાબળની હતી. જોકે, આ વખતે જે ખેલ ખેલાઇ રહ્યો છે એવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી.
તેલ લોબીમાં ચર્ચાતી વાતો મુજબ પ્રમુખના પીઠબળવાળા ગણાતા ઉમેદવાર હાર ભાળી ગયા હોય વિલંબ કરાઇ રહ્યો છે. ગોંડલના તેલમિલરોનું વર્ચસ્વ સોમામાં ન વધી જાય એ માટે પણ આ ખેલ ખેલાઇ રહ્યો હોવાની વાતો થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer