પાક વીમામાં ઘોર અન્યાયના પ્રશ્ને વિરોધ

ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા 
કિસાન કૉંગ્રેસના આગેવાનોએ પાક વીમા પ્રશ્ને અધિકારીઓને ઘેર્યા : સમજાવટ બાદ કિસાનો માની ગયા 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 9 જુલાઈ
પાક વીમાની આકારણીમાં ખેડૂતોને થયેલા ભારોભાર અન્યાય અને ચુકવણીમાં પણ વીમાના પ્રીમિયમ જેટલી રકમ પણ ન મળવાથી રોષ ફાટી નીકળ્યો છે. વિધાનસભા સત્ર ચાલુ છે ત્યારે પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળની કિસાન કૉંગ્રેસે આજે ગાંધીનગરમાં ગુજરાતના અનેક ખેડૂતો વિરોધ માટે પહોંચ્યા હતા. કૃષિ ભવનના અધિકારીઓને ખેડૂતોએ ઘેર્યા હતા. જોકે અધિકારીઓએ યોગ્ય કરવાની ખાતરી આપતાં ખેડૂતોની ટુકડીઓ વિખેરાઇ ગઇ હતી. 
ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાક વીમાના મુદ્દે કંપનીઓ સામે નારાજ હતા જ. એવામાં ગઇ કાલે જ વિધાનસભામાં જયારે એ વાતનો સરકારે સ્વીકાર કર્યો કે જે રકમ ખેડૂતો પાસેથી વીમાના રૂપમાં લેવામાં આવે છે તેના કરતાં બહુ મોટી રકમ તો વીમા કંપની ખેડૂતો અને સરકાર પાસેથી ઉઘરાવી લે છે. આ સમાચાર સાંભળીને ખેડૂતો ઉશ્કેરાયા હતા. 
આ બાબતને મુખ્ય મુદ્દો બનાવીને પાલભાઈ આંબલિયાએ મોરચો કાઢ્યો હતો અને ગાંધીનગર સ્થિત કૃષિ ભવનમાં અધિકારોઓ સામે ઘેરો ઘાલ્યો હતો. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કાયદો- વ્યવસ્થાની સ્થિતિ કથળે નહિ તેની કાળજી રાખી હતી. પાલભાઈ આંબલિયા અને અન્ય કિસાનોએ મળીને ગુજરાતના ખેતીવાડી નિયામક ભરત મોદીને મળીને પાક વીમા મુદ્દે વિસ્તારથી રજૂઆત કરી હતી અને આ રજૂઆતના અનુસંધાને અધિકારીઓએ ઘટતું કરવાની ખાતરી પણ આપી હતી.  
જોકે આગામી દિવસોમાં આ મુદ્દે યોગ્ય સમાધાન નહિ થાય તો ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા નકારાતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer