વ્યવસાય વેરો ભરનારા વર્ગ માટે દંડ-વ્યાજ માફીની યોજના જાહેર

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 9 જુલાઈ
ગુજરાતમાં વ્યવસાય વેરો ભરનારા વર્ગ માટે દંડ અને વ્યાજ માફીની યોજનાની જાહેરાત થઇ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે આ યોજના બહાર પાડી હતી. એ પ્રમાણે 1 જૂનથી 31 ઓગસ્ટ 2019 સુધીના સમયગાળા માટે આ યોજના ચાલુ રહેશે. આ ગાળામાં વ્યવસાય વેરાની બાકી રકમ ભરપાઇ કરવામાં આવે તો તેમને દંડ અને વ્યાજમાં માફી આપવામાં આવશે. નાના ફેક્ટરીધારકો, ટ્રેડરો, નોકરીયાતો, વ્યવસાયિકો ઉપરાંત લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં કામકાજ કરી રહ્યા હોય એવા ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ તે લાગુ થશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 80 હજાર કરતાં વધારે નોંધણી વ્યવસાય વેરા માટે થયેલી છે, પરંતુ વર્ષે 25 હજાર લોકો જ વેરો ભરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ફક્ત 10 હજાર વ્યવસાયિકોએ રૂા. 6.84 કરોડ જમા કરાવ્યા છે. વર્ષથી વેરો ન ભર્યો હોય તેવા વ્યવસાયિકોની સંખ્યા ઘણી વધારે છે. જો આ યોજના સફળ થાય તો રાજકોટ કોર્પોરેશનને કરોડોની આવક થશે. આ જ રીતે અન્ય કોર્પોરેશનોને પણ મોટી આવક પ્રાપ્ત થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer