બજેટ દરખાસ્તોથી જીડીપી વિકાસદર 7.2 ટકા થવાની શક્યતા એચ.પી. રાનીના

મુંબઈ, તા. 9 જુલાઈ 
બજેટ દરખાસ્તો સામાજિક સુરક્ષા, શિક્ષણ, વિદેશી સીધા રોકાણમાં મોટા આઈડિયાઓથી છલોછલ ભરેલી છે. જો વધારાના જાહેર ખર્ચના કારણે અને આ સિઝનમાં સામાન્ય ચોમાસાના કારણે જો વપરાશી માગ વધશે તો 2019-20માં જીડીપી વિકાસદર વધી 7.2 ટકા થવાની શક્યતા છે જે 2018-19 માં 6.8 ટકા હતો. આથી મજબૂત અને વાઈબ્રન્ટ અર્થતંત્રનો પાયો નખાશે જે 2023 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરનું ભારતીય અર્થતંત્ર બનાવી શકશે, એમ જાણીતા વેરા નિષ્ણાત એચ. પી. રાનીનાએ જણાવ્યું હતું. 
ફોરમ અૉફ ફ્રી એન્ટરપ્રાઈઝના ઉપક્રમે `યુનિયન બજેટ 2019-20' વિષય પર તા. 5 જુલાઈએ યોજાયેલા સમારોહમાં રાનીનાએ જણાવ્યું હતું કે સરકારે ટેક્સ્ટાઈલ, રિટેલ, ફૂડ પ્રેસેસિંગ, બાંધકામ ક્ષેત્રે રોજગારીની તકો થોડીક વધે તેવા પગલાં લીધાં છે જે આવકાર્ય છે. આમ છતાં ફ્લેક્સિબલ કામદાર ધારાની બાબતમાં પૂરતા પ્રયત્નો કરાયા નથી. 
ધંધો કરવાની સરળતા વધારવા ઈ-બિઝ પોર્ટસ લૉન્ચ કરાયું છે જે 14 રેગ્યુલેટરી મંજૂરીઓનું સંકલન કરે છે.
આથી પૂર્વ મંજૂરી મેળવ્યા વિના સ્ટાર્ટ-અપ્સ માટે નવો ધંધો શરૂ કરવાનું શક્ય બની શકશે. એન્જલ ટૅક્સમાંથી સ્ટાર્ટ-અપ્સને મુકિત આપવાનું પગલું સાચી દિશામાંનું છે. આનો હેતુ પરિકલ્પના અને પહેલમાંથી વેલ્યુ સર્જવા માગતા યુવા સાહસિકોને ઉત્તેજન આપવાનો છે એમ રાનીનાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer