કૉફીનું ઉત્પાદન 20 ટકા ઘટશે

ઓછા વરસાદને કારણે ચા, રબર, એલચી અને મરીના પાકને પણ નુકસાન 
કોચી, તા. 9 જુલાઈ
જૂન મહિનામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં સરેરાશ કરતાં ઓછા વરસાદને કારણે આ વર્ષે કૉફી, ચા, રબર, એલચી અને મરી જેવાં વાડીમાં લેવાતાં પાકનું ઉત્પાદન ઓછું ઉતરશે તેવી ધારણા છે. કેરળ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખાધ છે અને કેરળના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને મુખ્ય રોકડિયા પાક લેતા વાયનાડ અને ઈદુક્કીમાં સરેરાશ કરતાં 30-60 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
યુનાઈટેડ પ્લાન્ટર્સ ઍસોસિયેશન અૉફ સધર્ન ઇન્ડિયા (ઉપાસી)ના પ્રમુખ એઈ જોસેફે જણાવ્યું કે વાયનાડ અને એનામલાઈ વિસ્તારોમાં ચાના પાકને નુકસાન થયું છે. તામિલનાડુમાં નીલગિરિ વિસ્તારમાં સ્થિતિ સારી છે. કનન દેવાન હિલ પ્લાન્ટેશન્સ અને હેરિસન્સ મલયાલમ જેવી ચાની અગ્રણી કંપનીઓ કેરળમાં ચાના બગીચા ધરાવે છે. 
કર્ણાટકમાં કૉફીનો પાક લેતા વિસ્તારો દુકાળની અસર તળે છે. કર્ણાટક પ્લાન્ટર્સ ઍસોસિયેશનના ચૅરમૅન એમબી ગણપતિએ જણાવ્યું કે જૂનમાં વરસાદની 50-60 ટકા ખાધ હતી. છેલ્લાં 10 વર્ષમાં આ સૌથી મોટી ખાધ છે. ઓછા વરસાદને કારણે કૉફીના પાકને નુકસાન પહોંચશે અને ખેડૂતો પર્યાપ્ત ભેજ વિના ફર્ટિલાઈઝર્સનો ઉપયોગ નહીં કરી શકે. આ સ્થિતિમાં કૉફીનું ઉત્પાદન 20 ટકા ઘટવાની ધારણા છે.
પાલા રબર માર્કેટિંગ કો-અૉપરેટિવ સોસાયટીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને રબર ઉત્પાદક પી. એમ. થોમસે જણાવ્યું કે કેરળમાં રબરના સૌથી વધુ ખેડૂતો છે. તેમને વરસાદની અછતને કારણે સપ્ટેમ્બરથી શરૂ થતી સિઝનમાં ઉત્પાદનમાં ઘટાડાનો ભય સતાવી રહ્યો છે. 
દેશમાં એલચીનો સૌથી વધુ પાક લેતા ઈદુક્કીમાં એલચીની લણણી એક મહિનો પાછી ઠેલાય તેમ છે. સામાન્ય રીતે આ પાક જુલાઈ-ઓગસ્ટમાં લેવાય છે.ગયા વર્ષે પૂરને કારણે એલચીના પાકને ભારે નુકસાન થયું હતું અને હાલમાં વરસાદની અછતને કારણે સ્થિતિ વધુ વણસશે.
થોમસે જણાવ્યું કે ગયા વર્ષે એલચીનું ઉત્પાદન 50 ટકા ઓછું નોંધાયું હોવાથી ભાવમાં વિક્રમી ટોચ જોવા મળી હતી. નવી સિઝનમાં ઉત્પાદનમાં વધુ ઘટાડો જોવા મળશે તેમ જણાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer