ગાંધીનગરમાં યોજાનાર સિરામિક એક્સપોમાં ચીનનાં દિગ્ગજો જોડાશે

ચીનનાં ડેલિગેશનની મુલાકાતથી દેશનાં સિરામિક ઉદ્યોગને ફાયદો બક્ષવાની આશા
મોરબી, તા. 9 જુલાઈ
સિરામિક્સ એક્સપોની ટીમ દ્વારા ચાઇનામાં બે વિશાળ એસોસિએશન સાથે મંત્રણા કરવામાં આવી છે. આ બેઠક સફળ રહેતાં ચીનના બે દિગ્ગજ એસોસિએશનના ડેલીગેશન સિરામિક્સ એક્સપોમાં આવશે જેમાં 100 જેટલા બાયર્સ જોડાનાર છે.
આગામી નવેમ્બર માસમાં તા.22 થી 24 સુધી દરમિયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સિરામિક્સ કેન્કલેવ એન્ડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઇ શકે છે. આ એક્સપોમાં કુલ 2000થી વધુ બાયર્સ વિદેશથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.
મોરબીના સિરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સિરામિક એક્સપોના આયોજન તથા સિરામિક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઇઓ સંદીપ પટેલ દ્વારા તાજેતરમાં ચીનના બે દિગ્ગજ એસોસિએશન સાથે મંત્રણા કરવામાં આવી હતી. જેમાં સીસીપીઆઇટી (ચાઇના કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન) અને સીઆઇસીઇઇ (ચાઇના ઇન્ટરનેશનલ કન્ટ્રક્શન ઇકવિપમેન્ટ એસોસિએશન) સાથે બેઠક કરવામાં આવી હતી. 
આ બન્ને એસોસિએશન સાથે મંત્રણા સફળ રહેતા સિરામિક્સ એક્સપોને બાયર્સના ડેટા મળ્યા છે. ઉપરાંત ચીન તેમજ તેના નજીકના દેશોમાંથી 100 જેટલા બાયર્સનું ડેલીગેશન પણ સિરામિક્સ એક્સપોમાં આવવાનું છે. ઉલ્લેખનિય છે, હોંગોકોંગ અને બેઇજિંગ સિરામિકનું હબ છે. ત્યાંથી અઢળક ડિલ વિશ્વભરમાં થાય છે. આ ડેલીગેશનની મુલાકાત સિરામિક્સ એક્સપો માટે ફાયદાકારક રહેશે. ચીનમાં યોજાયેલી આ મંત્રણામાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વધુમાં સિરામિક્સ એક્સપોની ટીમ દ્વારા આગામી દિવસોમાં સાઉથ ઇસ્ટ એશિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં બેઠકોનો દોર ચાલવાનો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer