નરેશ ગોયલને વિદેશ પ્રવાસ કરવો

હોય તો રૂા.18,000 કરોડ ડિપૉઝિટ કરે : દિલ્હી હાઈ કોર્ટ
 
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 9 જુલાઈ
દિલ્હી હાઈ કોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને દેશની બહાર પ્રવાસ કરવા માટે સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને તેમની વિરુદ્ધની લૂક આઉટ સર્ક્યુલરને પડકારતી અરજીમાં કેન્દ્રની પ્રતિક્રિયા માગી છે. 
જસ્ટિસ સુરેશ કૈતે કહ્યું કે, આ તબક્કે ગોયલને વચગાળાની રાહત આપી શકાય નહીં અને જો તેમને વિદેશ પ્રવાસ કરવો જ હોય તો તેમણે રૂા.18,000 કરોડ ડિપોઝિટ કરવાના રહેશે. 
25 મેના રોજ ગોયલ સામે કુલ આઉટ સર્ક્યુલર (એલઓસી) ઈસ્યૂ કરવામાં આવેલું જેને પડકારતી અરજીમાં કોર્ટે ઉક્ત આદેશ આપ્યો હતો. ગોયલે કહ્યું કે, 25 મેના રોજ તેમને જાણ થઇ કે તેમના વિરુદ્ધ એલઓસી ઈસ્યૂ થઈ છે, તે વખતે તે દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાંથી તેમને અને તેમની પત્નીને ફ્લાઈટમાંથી ઉતારી મુકાયાં હતાં. હાઈ કોર્ટે આ બાબતની સુનાવણી 23 અૉગસ્ટ સુધી મુલતવી રાખી છે. 
વરિષ્ઠ વકીલ મહિન્દ્ર સિંઘે ગોયલ વતી વિનંતી કરી કે 25 મેના રોજ જ્યારે આ દંપતી પ્રવાસ કરી રહ્યું હતું ત્યારે કોઈ તપાસ ચાલી રહી નહોતી અને તેઓ એનઆરઆઈ હતાં, જેથી અમુક સમયાંતરે તેમણે વિદેશમાં જવું જરૂરી હતું. 
સિંઘે કહ્યું કે, ગોયલ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી ત્યાં સુધી તેમના વિરુદ્ધમાં કોઈ કેસ નહોતો પરંતુ 6 જુલાઈના સુનાવણી થઈ અને તેમને સિરિયસ ફ્રોડ ઈનવેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ) પાસેથી સમન્સ મળ્યા કે 10 જુલાઈએ તે હાજર રહે અને તપાસમાં સહયોગ આપે. ગોયલને નાણાકીય કટોકટીનો સામનો કરતી જેટ ગ્રુપ માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટે દુબઈ અને લંડનમાં જવું હતું. 
અરજીનો વિરોધ એડિશનલ સોલિસિટર જનરલ મનીન્દર આચાર્ય અને કેન્દ્ર સરકારની સ્ટેન્ડિંગ કાઉન્સિલ અજય દિગપોલ દ્વારા થતાં કહ્યું કે, આ રૂા.18,000 કરોડનું આ ગંભીર કૌભાંડ છે અને સીએફઆઈઓ તેમની તપાસ કરશે. 
સરકારી વકીલે કહ્યું કે, ગોયલે તપાસમાં સહયોગ આપવો પડશે અને તેમની અરજીમાં જવાબ આપવા માટે સમય આપવો પડશે. ગોયલની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, એલઓસી તેમના વિરુદ્ધ એસએફઆઈઓની અરજીને લીધે થઈ છે, જે કોર્પોરેટ મંત્રાલય અંતર્ગત આવે છે. તેમણે એલઓસી ઉપરાંત અમુક એવા ઓફિસ મેમોરેન્ડમ નાબૂદ કરવાની અરજી કરી છે જેનાથી તે વિદેશ પ્રવાસ કરી શકતા નથી. 
કોર્પોરેટ મંત્રાલયના મતે, મંત્રાલયની તપાસમાં જેટ એરવેઝમાં મોટા પાયે અનિયમન જણાતાં એલઓસી ઈસ્યૂ કરવામાં આવી છે, જેટ એરવેઝ એપ્રિલથી બંધ છે. નરેશ અને અનિતા ગોયલે જેટ એરવેઝના બોર્ડથી રાજીનામું આપ્યુ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer