શૅરબજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહેશે

શૅર્સનાં મૂલ્યાંકનના કારણે બજારમાં નરમાઈ 
એજન્સીસ, મુંબઈ, તા 9 જુલાઈ 
 છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્ષમાં થયેલો 1500 પૉઈન્ટનો ઘટાડો ઘણાને વધુપડતો લાગે પણ વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં બજાર હજુ નીચે જઈ શકે કેમ કે શૅરોનાં મૂલ્યાંકન બજારને ટેકો આપે એવા નથી.  કંપનીઓની હાલત ચિંતાજનક છે અને બજેટમાં તેમને માટે પ્રોત્સાહક પગલાં આવશે એવી અપેક્ષા હતી, પણ એ આશા સાકાર ન થઇ અને તેને કારણે કંપનીઓના નફા પર દબાણ આવશે એમ વિશ્લેષકો માને છે. આમ પણ 18 મહિનાથી કંપનીઓની કામગીરી નિરાશાજનક રહી છે.  
નબળા પાયાને કારણે બૅન્કોના આંકડા સારા આવી શકે પણ વપરાશી ક્ષેત્રની કંપનીઓ બજારને નિરાશ કરે એવી શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે. એમ થાય તો બજારમાં મોટું કરેક્શન આવી શકે.  
નિકાસલક્ષી આઇટી ક્ષેત્રની કંપનીઓ પણ આ વખતે બે આંકડાનો વિકાસ નહિ બતાવે એમ વિશ્લેષકોનું માનવું છે. તેને લીધે આગામી બે મહિનામાં નિફટી ફિફટીમાં 200-300 પૉઈન્ટનો અને આખા વર્ષમાં 500થી 1500 પૉઈન્ટનો ઘટાડો આવશે એવો ડર રહે છે. પબ્લિક શૅરહોલ્ડિંગને વધારવાની અને એફપીઆઈ આવક પર સરચાર્જ નાખવાની બજેટની દરખાસ્તની અસર બજાર પર ઘણા લાંબા સમય સુધી રહેશે. 
અર્થવ્યવસ્થાની વાસ્તવિકતા બહુ ખરાબ છે અને બજેટ નહિ પણ મૂલ્યાંકનને કારણે બજાર ખરાબ થયું છે એમ સમકો સિકયોરિટીઝના ઉમેશ મહેતા કહે છે. વપરાશ નબળો છે અને પ્રવાહિતાને અભાવે ધંધાઓની પરિસ્થિતિ ખરાબ છે. સામાન્ય રીતે ક્રેડિટ ક્રાઈસીસ પૂરી થતા એકથી બે વર્ષ લાગે છે અને આપણે તો હજુ અડધા રસ્તે જ છીએ એમ તે જણાવે છે. 
બીએસઇ સેન્સેક્ષ ગયા ગુરુવારે 39908 પર બંધ હતો ત્યાંથી મંગળવાર સુધીમાં 1472 પૉઇન્ટ ઘટ્યો છે જ્યારે નિફટી ફિફટી 11950ની આસપાસ હતો તે 11600 સુધી ઘટ્યો છે. 
કંપનીઓની કામગીરીમાં શક્ય નિરાશાને બજારે ડિસ્કાઉન્ટ નથી કરી એમ કોટક સિક્યોરિટીઝના હેડ અૉફ રિસર્ચ રસ્મિક ઓઝાનું કહેવું છે. અમે નિફટીમાં માત્ર 1.3 ટકા વધારાની અપેક્ષા રાખીએ છીએ. બૅન્કોને બાદ કરો તો જૂન અર્નિંગ્સમાં 6-7 ટકા ઘટાડો રહેશે એમ ઓઝા માને છે. 
અૉગસ્ટના અંત સુધીમાં નિફટી ફિફટી ઘટીને 11000 થશે એમ તે જણાવે છે. ત્યાં સુધીમાં કૉર્પોરેટ પરિણામોની મોસમ પૂરી થઇ ગઈ હશે. 
ચૂંટણીનાં પરિણામો અને બજેટ અપેક્ષાઓને લીધે બજાર ઉપર હતું. મોટા ભાગનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં આવતું હતું અને તેના માધ્યમથી એના એ જ શૅરોમાં આવતું હતું. પરિણામે આઠ-દસ શૅર વધતા રહ્યા, પણ બૃહદ બજાર ઊંડી પીડામાં હતું એમ પ્રભુદાસ લીલાધરના સંદીપ રાયચુરા કહે છે. 95 ટકા જેટલા શૅર અત્યારે પણ જાન્યુઆરી 2018ની સપાટીથી નીચે છે એમ તે જણાવે છે.    
ટૂંકાગાળામાં નિફટીમાં 15-200 પૉઈન્ટ ઘટાડાની શક્યતા નકારી ન શકાય એમ રાયચુરા માને છે. આગામી દિવસોમાં રોકાણકારોમાં ડર વધશે અને તેને લીધે વોલેટિલિટીનું પ્રમાણ પણ ઊંચે જશે એમ તે કહે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer