ઈડર પંથકના ખેડૂતોનો `અપના હાથ જગન્નાથ''

ઈડર પંથકના ખેડૂતોનો `અપના હાથ જગન્નાથ''
સરકારે કેનાલ બનાવવા મંજૂરી ન આપી તો ગ્રામજનોએ તે બનાવી લીધી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 9 જુલાઈ 
ઘણી વખત પ્રજા અને ખેડૂતો સરકાર ઉપર વધારે પડતી અપેક્ષા રાખતા હોય છે. સરકાર પ્રજાના પ્રશ્નો પ્રત્યે ઊણી ઊતરતી હોવાની છાપ છે. અલબત્ત સરકાર ક્યાંય ઊણી ઉતરે તો પ્રજાએ આવું કામ ઉપાડી લેવાનું હોય. આવા કેટલાય દાખલાઓ આસપાસમાં બનતા રહેતા હોય છે. 
સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં હાલમાં જ આવો બનાવ બન્યો છે. સરકાર કેનાલ બનાવવામાં ઊણી ઊતરી અને ગ્રામજનોએ જાતે એ કામ પૂરું કર્યું, ગ્રામજનોએ આજુબાજુના ગામો સાથે મળી લોકફાળો એકઠો કરી 500 મીટર કાચી કેનાલનું કામ ચાલુ કર્યું અને હાલ કેનાલનું કામ હવે મોટેભાગે પૂરું થઈ ગયું છે.   ઈડર પંથકના મણીયોર ગ્રામ પંચાયતના સભ્ય દિલીપભાઈ પટેલ જણાવે છે કે `સાબરકાંઠા જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સાર્વત્રિક ઓછા વરસાદને કારણે પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ છે. ઈડર તાલુકાના કેટલાક ગામડાઓમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે. મણીયોર ગામના લોકોએ ચોમાસાના વરસાદના પાણીને ગામના જ તળાવમાં  એકઠું કરવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. બરવાવથી પંચાયતના 23 એકરના તળાવ સુધી 500 મીટર કેનાલ માટે 2018માં માગણી પૂરી થઇ નહીં એટલે આખરે ગ્રામજનોએ અને આજુબાજુના ગામો પાસેથી લોકફાળો એકઠો કરીને કેનાલ બનાવી છે.  
કેનાલ તૈયાર થઈ ગયા પછી આજુ બાજુના ગામોમાંથી અને ડુંગર વિસ્તારનું આવતું વરસાદી પાણી ગામના ખરાબા માંથી વહી જતું હતુ. કેનાલ બનાવીને તેને રોકવામાં આવી રહ્યું છે.  
કેનાલ થકી ગામના 23 એકરના તળાવમાં પાણી સંગ્રહ થઇ શકે તેમ હતું. એનાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાઇ જાય તેમ હતું. હવે સારો વરસાદ થઇ જાય તો તળાવ અને કેનાલ બન્ને ભરાઇ જાય તેમ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer