કચ્છના ખારેકનો પણ દેશ-દુનિયામાં ડંકો વાગ્યો

કચ્છના ખારેકનો પણ દેશ-દુનિયામાં ડંકો વાગ્યો
મબલખ ઉતારાના શુભ સંકેત : વાવેતર વધતાં પાક વધ્યો, પરંતુ માર્કેટિંગ વ્યવસ્થિત થાય તો ભાવ ઊંચા મળે
અંબર અંજારિયા 
ભુજ, તા. 9 જુલાઈ
કચ્છનાં ખમીરની જેમ ખારેક પણ દેશ-દુનિયામાં પંકાવા માંડી છે. આ વખતે વરસાદ મોડો પડવાની સાથોસાથ વાવેતરમાંયે વરસોવરસ વધારો થવાનાં કારણે ઉત્પાદન તો ઘણું સારું રહેશે, વાવેતરમાં કુશળ કિસાનો વેચાણમાં પણ કાબેલિયત કેળવી વ્યવસ્થિત માર્કેટિંગ કરે, તો મીઠી મધુરી ખારેક ખરા અર્થમાં કચ્છના કિસાનોનું કલ્પવૃક્ષ બની રહે તેવો સર્વાનુમત સાથેનો સૂર કચ્છના કૃષિચિંતકો વ્યક્ત કરી રહ્યા છે.
કચ્છમાં 18 હજાર હેકટર એટલે કે, 45 હજાર એકર જેટલા વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. ભારે ક્ષારવાળાં પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે અને કચ્છનાં અર્થતંત્રમાં ગતિ લાવનાર બાગાયતી પાકોની વાત કરીએ તો કેસર કેરી, દાડમ જેવા કમાઉ પાકોને પણ પાછળ રાખી દેતાં કચ્છની ખારેક મોખરાનાં સ્થાને છે.
કચ્છના બાગાયત નિયામક અને અભ્યાસુ અધિકારી ડૉ. ફાલ્ગુનભાઇ મોઢે કહ્યું હતું કે, ખેડૂતો જાતે સીધું વેચાણ કરે અથવા સંગઠિત બનીને બ્રાન્ડિંગ કરે તો  કચ્છી મેવાના આકર્ષક ભાવ મળી શકે તેમ છે. ખારેક પર મળતી સબસિડી અને વાવણીખર્ચ જેવા સરકાર તરફથી મળતા લાભો લેવાની સાથોસાથ ખારેકનાં ફળની યોગ્ય માવજત, ફિનિશિંગ કરવા જેવી ઉપયોગી સલાહો પણ ડૉ. મોઢે આપી છે. 
કચ્છથી કાશ્મીર અને કન્યાકુમારી સુધી કચ્છી મેવો પહોંચાડતા આશાપુરા ફાર્મના સૂત્રધાર હરેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આપણા રણપ્રદેશની અનુકૂળ આબોહવામાં પાકતી ખારેકનાં ઉત્પાદનની સાથોસાથ ગુણવત્તા પણ સુધરી છે. ખારેકનું ભાવિ સારું છે, પરંતુ તેની વ્યાપક પ્રસિદ્ધિ, માર્કેટિંગની તાતી જરૂર છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં જેવી લોકપ્રિય શ્રેણીમાં ચમકે તો દેશમાં કચ્છી ખારેકને મોટી બજાર મળી શકે તેમ છે.
કચ્છના કર્મઠ કિસાનો, કુશળ વેપારીઓએ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બૅંગ્લોર, હૈદ્રાબાદ અને ખાસ કરીને તામિલનાડુના લોકોની દાઢે ખારેકનો સ્વાદ વળગાડયો છે તેવું પ્રયોગશીલ કિસાન હરેશભાઇ ઠક્કર કહે છે. ટિસ્યૂ કલ્ચર અથવા સારી જાતનાં  પિલાં (બચ્ચાં)થી વાવેતર કરાય તો ખારેકની ગુણવત્તા વધુ સારી મળે તેવું કહેતાં કચ્છ ક્રોપ સર્વિસીઝના અભ્યાસુ તજજ્ઞ અરવિંદભાઇ પટેલ કહે છે કે, સબસિડીનું પ્રમાણ વધે, તો સારું. 
હકીકતમાં આજની તારીખે એક રોપાની કિંમત ત્રણ હજારથી 3200 રૂપિયા થાય છે.  એ જોતાં કમસે કમ 1500 રૂપિયા સબસિડી મળવી જોઇએ. વધુમાં માત્ર એક હેકટર એટલે કે 125 રોપાનાં સ્થાને 250 રોપા પર  સરકારે લાભ આપવો જોઇએ તેવો મત તેમણે દર્શાવ્યા હતો. મુંદરાસ્થિત ખારેક સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. સી.એચ. મુરલીધરે જણાવ્યું હતું કે કચ્છમાં કુલ ઉત્પાદનના 50 ટકા ખારેક તુરા સ્વાદવાળી અને  ડચૂરો વળે તેવી હોય છે. આવી ખારેકની ગુણવત્તા સુધારવા માટે કોઇ ઉપાય ખરો? તેવું પૂછતાં તેમણે પ્રોસેસિંગનું સૂચન કર્યું હતું.
નિકાસનાં ચિત્ર અંગે પૂછતાં સવાયા કચ્છી ડૉ. મુરલીધરે કહ્યું હતું કે તાજાં ફળની હજુ વિદેશમાં ખાસ બજાર નથી. અલબત્ત, જર્મની, યુરોપ જેવા ભાગોમાં થોડી-ઘણી જાય છે. ખારેકની નિકાસ અંગે કચ્છી કિસાનોને  માર્ગદર્શન માટે તાલીમ યોજવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજકીય પરિવારમાંથી આવતા પૂર્વ નગરપતિ રસિકભાઇ ઠક્કરના પુત્ર ઘનશ્યામભાઇ ઠક્કરે કચ્છના ધરતીપુત્રોને ટિસ્યૂના નર સાચવવાનું સૂચન કરતાં કહ્યું હતું કે આવનારા સમયમાં તેની કિંમત ઉપજશે. આ વખતે બારહી બજારમાં મોડી પડી છે, તેવું કહેતાં વાવેતર સાથે વેચાણની પ્રણાલીનીયે ઊંડી સૂઝ ધરાવતા ઘનશ્યામભાઇએ આ વખતે છૂટોછવાયા વરસાદે કયાંક દેશી ખારેકને થોડુંક નુકસાન કર્યું હોવાનું જણાવ્યું હતું.
માંડવી તાલુકાનાં જનકપુર ગામમાં સાત વર્ષથી ખારેક વાવતા યુવા કિસાન પ્રદીપ રામજિયાણી કહે છે કે, ત્રણ હજાર ટીડીએસવાળાં પાણીમાં પણ પાકી જતી ખારેકની થોડી વધુ માવજત થાય તો ધાર્યા ભાવ મેળવી શકાય.
કચ્છમાં બારહીના આઠ હજાર અને દેશી ખારેકના 10થી 12 હજાર ઝાડના હિસાબે 18થી 20 લાખ કિલો જેટલી ખારેકનું ઉત્પાદન થવાનો એક અંદાજ મળી રહ્યો છે. કચ્છમાં મુંદરા અને અંજાર ખારેકના ગઢ ગણાય છે. જોકે, પાછળથી ભુજ, માંડવી, ભચાઉ, કુકમા સહિત વિવિધ ભાગોમાં વાવેતર થવા માંડયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer