બનાસકાંઠા પંથકમાં ફરી તીડનું આક્રમણ

બનાસકાંઠા પંથકમાં ફરી તીડનું આક્રમણ
ખેડૂતો વાવેલાં બિયારણ અને ઊભા પાકને કારણે ચિંતામાં : સરકારે દવાનો છંટકાવ વધાર્યો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 9 જુલાઈ
બનાસકાંઠા પંથકમાં છેલ્લા બે દિવસથી લાખોની સંખ્યામાં તીડના ધાડા ઊતરી આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.તીડને ભગાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, પણ ખેડૂતોને બિયારણ નષ્ટ થઇ જવાનો ભય લાગી રહ્યો છે.  આ મુદ્દો આજે અમુક ધારાસભ્યોએ વિધાનસભામાં પણ ઊઠાવ્યો હતો.  
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એકવાર ફરીથી તીડના મોટા મોટા ઝૂંડ દેખાવા લાગતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા તીડનો ઉપદ્રવ વધે તે પહેલા તીડ ઉપર નિયંત્રણ મેળવવામાં આવે નહિ તો ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે. 
ખેડૂતો કહે છે, તીડ રાજસ્થાન તરફથી આવે છે. રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધતા તેની અસર હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવ પંથકમાં પણ જોવા મળી છે.  
ખૂબ મોટા પ્રમાણમાં આવતા તીડની ખાસિયત છે કે જે વિસ્તાર માંથી પસાર થાય છે તે વિસ્તારોમાં ઉભેલા પાકનો સફાયો થોડી જ વારમાં કરી દે છે એમ સુઈ ગામના ખેડૂત નારણભાઈ રાજપૂત જણાવે છે.  
અન્ય એક ખેડૂત ગણેશભાઈ રાજપૂત કહે છે કે 'અમે મોંઘું બિયારણ લાવીને પાક   વાવ્યો છે અને હવે તીડનો ત્રાસ શરૂ થયો છે જો સરકાર કઈ નહિ કરે તો અમારે રોવાનો વખત આવશે. તાજા સમાચાર પ્રમાણે તીડ જે વિસ્તારમાંથી પસાર થયા છે ત્યાં ઘાસ ખાઈ ગયા છે.   
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આ અંગે જણાવ્યું હતું કે 'અલગ અલગ ટીમ દ્વારા તીડ પ્રભાવિત વિસ્તારોમાં નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ કરીને તેનું કંટ્રાલિંગ કરવામાં આવ્યું છે. નુકસાન થાય તેવી કોઈ જ શકયતા અત્યારે નથી. તેમ છતાં કેન્દ્ર અને રાજ્યની ટીમ સમગ્ર વિસ્તારમાં કાર્યરત છે.' 
વર્ષો પહેલાં બનાસકાંઠા જિલ્લામાં તીડ દ્વારા મોટુ નુકસાન થયું હતું ત્યારે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને તેના ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતુ.  હાલ ચાર ટીમો દ્વારા જ્યાં વધુ તીડ હોય છે ત્યા દવા છંટકાવ કરાઈ રહ્યો છે. હજારો તીડનો નાશ થયો છે અને બાકીના આ પંથકમાંથી પાછા જતા રહેશે એવી આશા તંત્ર વ્યક્ત કરી રહ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer