બિનલોહ ધાતુઓમાં પુરવઠાખાધ જળવાઈ રહેશે ઇક્રા

બિનલોહ ધાતુઓમાં પુરવઠાખાધ જળવાઈ રહેશે ઇક્રા
કોલકાતા, તા. 9 જુલાઈ
મહત્વની ત્રણ બિનલોહ ધાતુઓ તાંબુ, જસત અને એલ્યુમિનિયમમાં આ વર્ષે પણ પુરવઠાખાધ જળવાઇ રહેવાની આગાહી રેટિંગ એજન્સી ઇક્રાએ કરી છે. ગયે વર્ષે તાંબાના ભાવમાં 13 ટકા, જસતના ભાવમાં 16 ટકા અને એલ્યુમિનિયમના ભાવમાં 20 ટકાનો ઘટાડો થયો હતો જે મુખ્યત્વે વેપાર સંઘર્ષ અને ચોક્કસ દેશોની વિશિષ્ટ પરિસ્થિતિને આભારી હતો, પરંતુ માગ અને પુરવઠાનું સંતુલન જુદું જ ચિત્ર દર્શાવે છે.
આ વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં એલ્યુમિનિયમ અને તાંબાના વપરાશમાં અનુક્રમે 1.4 ટકા અને 0.8 ટકા જેવા નજીવો વધારો થયો હતો, જ્યારે જસતના વપરાશમાં 1.3 ટકાનો ઘટાડો 
થયો હતો. વપરાશ મંદ હોવા છતાં આ ત્રણે ધાતુઓની બજારમાં વાસ્તવમાં પુરવઠા ખાધ ચાલુ રહી હતી એઁટલું જ નહીં વાર્ષિક ધોરણે વધી હતી, કારણ કે ઉત્પાદન વધારો માગ કરતાં પણ ધીમો હતો, એમ ઇક્રાની નોંધ કહે છે. એલ્યુમિનિયમ અને તાંબાના પુરવઠામાં પ્રવેશેલી મંદી ક્ષમતાના અભાવને આભારી છે જે આ વર્ષે સુધરવાની શક્યતા નથી. જોકે, જસતનો પુરવઠો વર્ષના ઉત્તરાર્ધમાં વધે અને બજાર સમતોલ અને એવી શક્યતા છે.
ઇક્રાના વરિષ્ઠ ઉપપ્રમુખ જયંત રોય કહે છે કે 2019માં એલ્યુમિનિયમ અને તાંબામાં પુરવઠાખાધ વધુ ઉગ્ર બનશે જ્યારે જસત બજાર સમતોલ બનશે. તેથી આ ત્રણે ધાતુઓમાં હાલના ભાવથી કોઈ મોટો ઘટાડો માગ-પુરવઠાની અસમતુલાને કારણે આવે એવું લાગતું નથી.
એલ્યુમિનિયમની આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા આઠ ત્રિમાસિકથી 70,000 ટનથી લઇને 10.1 લાખ ટન સુધીની પુરવઠાખાધ રહી છે જે મુખ્યત્વે ચીનની ક્ષમતાના ઘટાડાને આભારી છે. ચીનમાં 2018ના ઉત્તરાર્ધમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન વધવા માંડયું હતું, પરંતુ કેટલીક ખોટ કરતી કંપનીઓ બંધ કરાવાથી માર્ચ અને એપ્રિલમાં ઉત્પાદન ઘટી ગયું. હાલના ભાવે વધારાની ફાજલ ક્ષમતાનો ઉપયોગ થવાની શક્યતા પણ ઝાંખી છે. એટલે પુરવઠામાં નોંધપાત્ર વધારો થવાની આશા નથી.
તાંબાની બજારમાં 2018ના માર્ચ ત્રિમાસિકમાં 1.2 લાખ ટનની પુરાંત હતી, પણ તામિલનાડુમાં તુતીકોરીન પ્લાન્ટ બંધ થવાથી એક વર્ષમાં એ પુરાંત ખાધમાં પલટાઈ ગઈ. જસતની આંતરરાષ્ટ્રીય બજાર પણ છેલ્લા ચાર ત્રિમાસિકથી ખાધમાં રહી છે. આ પુરવઠાખાધના ભાવને ટેકો પૂરો પાડશે.
સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયાનું અવમૂલ્યન થવાથી ધાતુઓના ભાવને ટેકો મળી ગયો છે, કારણ કે અહીંના ભાવ આયાત પડતરના આધારે નક્કી થતા હોય છે. વેદાન્તનો પ્લાન્ટ બંધ થવાથી તાંબામાં પુરવઠાખાધ ઉગ્ર બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer