વ્યાજદર ઘટવાની ચિંતા હળવી થતાં સોનું નરમ

વ્યાજદર ઘટવાની ચિંતા હળવી થતાં સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 9 જુલાઈ
અમેરિકામાં વ્યાજદર મોટાપાયે ઘટશે તેવાં વિધાનો તત્કાળ અમલમાં નહીં આવે એવી ધરપત બજારને થવાથી સોનામાં એક અઠવાડિયાની નીચલી સપાટી જોવા મળી હતી. ન્યૂ યોર્કમાં 1390 ડૉલરનો ભાવ રનિંગ હતો. સાક્સો બૅન્કના વિશ્લેષક ઓલે હેનસેન કહે છે, ટેસ્ટીમોની બેઠક પૂર્વે હવે બજારમાં સાવધાનીની રૂખ જોવા મળી રહી છે. ડૉલરમાં બે ત્રણ દિવસથી તેજીની ચાલ છે એટલે સુધારો ટકી શકતો નથી. તેમના મતે 1380 ડૉલરનો સ્તર જાળવવામાં સફળ રહે તો વધુ મંદી મુશ્કેલ છે.
ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલની બે દિવસની ટેસ્ટીમોની બેઠક બુધવારથી શરૂ થઇ રહી છે. એમાં અર્થતંત્રની તંદુરસ્તી અંગે ચર્ચા થવાની છે. બેઠક પૂર્વે ડૉલરના મૂલ્યમાં ત્રણ અઠવાડિયાંની ટોચ જોવા મળી હતી.
ફેડ જુલાઇની બેઠકમાં અગાઉ 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર ઘટાડો કરે તેવી સંભાવના હતી પણ હવે 25 બેસીસ પોઇન્ટ જ ઘટે તેમ લાગી રહ્યું હોવાથી ચિંતા હળવી થઇ છે. વ્યાજદર ઊંચો રહે તો ડૉલરને પણ ટકી રહેવામાં મદદ મળશે એ ગણતરીએ સોનાના ભાવ ઉપર દબાણ આવી શકે છે એમ હેનસેન ઉમેરે છે.
જીએફએમએસના હૉંગકૉંગ સ્થિત વિશ્લેષક સેમસન લી કહે છે, ટેક્નિકલ રીતે સોનું 1400 ડૉલરની સપાટી આસપાસ અથડાઇ જશે. આ સપાટીએથી 20 ડૉલરની બન્ને તરફની વધઘટ આવી શકે છે.
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં સોનાનો ભાવ આંશિક ઘટયો હતો. 24 કેરેટનો ભાવ રૂા. 50ના ઘટાડે રૂા. 34,250 હતો. મુંબઇમાં રૂા. 387 તૂટીને રૂા. 34,228 હતો. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 14.99 ડૉલર હતો. સ્થાનિક બજારમાં રૂા. 37,800ની સપાટી સ્થિર હતી. મુંબઇમાં રૂા. 120ના ઘટાડામાં રૂા. 37,505 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer