ઘઉંના ફન્ડામેન્ટલ્સ મંદી સૂચવે છે

ઘઉંના ફન્ડામેન્ટલ્સ મંદી સૂચવે છે
ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલે પાકનો વૈશ્વિક અંદાજ વધારીને 7690 લાખ ટન કર્યો
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 9 જુલાઈ
ઘઉં બજારના ફન્ડામેન્ટલ મંદી તરફી ઝોક ધરાવતા થયા છે, આપણે જાગતિક હવામાન પર નજર રાખવાની રહેશે, જે જાગતિક ભાવને વર્ષની મધ્યમાં જોવાયેલી તેજીની ઊંચાઈએ ફરી લઇ જવાની પ્રેરણા આપી શકે. પેરિસસ્થિત યુરો નેક્સ્ટ સપ્ટેમ્બર મિલિંગ ઘઉં વાયદો ઘટીને શુક્રવારે 178.25 યુરો (199.90 ડૉલર) જ્યારે શિકાગો બોર્ડ અૉફ ટ્રેડ પર સપ્ટેમ્બર વાયદો સોમવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં 5.14 સેન્ટ પ્રતિ બુશેલ (25.216 કિલો) ક્વોટ થયો હતો. મકાઈના ઊંચા ભાવે અમેરિકન ભાવને ટેકો આપ્યો હતો, પરિણામે જાગતિક બજારની તુલનાએ અમેરિકન ઘઉંના ભાવ વધુ પડતા ઊંચે જતા રહ્યા હતા. પરંતુ આ ભાવ અમેરિકન નિકાસને હજુ મદદરૂપ નથી થયા.  
સીબીઓટી સપ્ટેમ્બર વાયદો 26 જૂને 5.26 ડૉલરની ઊંચાઈએથી ઘટીને ગત સપ્તાહે 5.03 ડૉલરના તળિયે આવી ગયો હતો. જૂન એન્ડમાં ભાવ ઘટ્યા તે આમ તો સામાન્ય પ્રક્રિયા હતી. કારણકે ભારત, યુક્રેન અને યુરોપીયન યુનિયનમાં ઘઉં ઉત્પાદનમાં સુધારો કરીને ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલે 2018-19નો વૈશ્વિક ઉત્પાદન અંદાજ 30 લાખ ટન વધારીને 7690 લાખ ટન મુક્યો હતો. આ સાથે જ વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટ (વાસ્દા)એ 500 લાખ ટન વધારીને 780 લાખ ટન મુક્યો હતો.          
ભારતના કૃષિ મંત્રાલયે તેના ત્રીજા આગોતરા ઘઉં પાક અનુમાન ગતવર્ષથી 1.3 ટકા વધારીને આ વર્ષ (જુલાઈ 2018 -જૂન 2019) માટે 1012 લાખ ટન વિક્રમ મુક્યો હતો. યુક્રેનમાં પણ આ વર્ષે બમ્પર પાક આવ્યો હોવાથી તે વિપુલ સરપ્લસ સાથે મોટા નિકાસકાર તરીકે ઉભરી આવશે. એગ્રીટેલ કહે છે કે 2019-20મા યુક્રેન 195 લાખ ટન ઘઉં નિકાસ બજારમાં ઉતારશે. જગતના મહત્તમ દેશોમાં લણણી વેગથી આગળ વધી રહી છે, ઘઉંની યીલ્ડ (ઉપજ ઉતારા) પણ ખૂબ જ પ્રોત્સાહક જણાઈ રહી છે. 
યુરોપીયન યુનિયન કમિશને 3 જુલાઈએ તેના ટૂંકાગાળાના કૃષિ બજારના વરતારા જાહેર કર્યા હતા, યુરો ફારમર્સ ગ્રુપ કોપકો-કોગેકાએ શુક્રવારે કહ્યું હતું કે આ વર્ષે યુરોપનું ઘઉં ઉત્પાદન ગતવર્ષ કરતા 9 ટકા વધીને 1414 લાખ ટન આવશે. જર્મની ફાર્મર્સ ડીવીબીનો વિન્ટર વ્હીટ ક્રોપ અંદાજ ગતવર્ષના 196 લાખ ટનથી વધીને 241 લાખ ટન છે. શુક્રવારે કન્સલટન્સી એગ્રીટેલે કહ્યું હતું કે પશ્ચિમ યુરોપને રશિયાની માફક યુક્રેન પણ નિકાસ બજારમાં ભારે સ્પર્ધા આપે છે, ત્યાં વિક્રમ ઉપજ (ઉત્પાદક્તા) સાથે ઉત્પાદન 17 ટકા વધીને 288 લાખ ટન આવશે. ટ્રેડરો પણ કહે છે કે ગરમ હવામાનનો દોર પૂરો થયા પછી ઉત્પાદન મબલખ આવવાની શકયતા વધી ગઈ છે. ફ્રાન્સની કૃષિ એજન્સી ફ્રાન્સે એગ્રીમેરનો અંદાજ છે કે ઘઉંનો પાક 75 ટકા ગુડથી એક્સેલન્ટ સ્થિતિમાં છે.  
સ્ટેટેસ્ટિકસ કેનેડાનો અહેવાલ કહે છે કે 26 જુન સુધી વાવેતર ગતવર્ષ કરતા 0.6 ટકા ઘટીને 245.95 લાખ એકરમાં થયું હતું, અલબત્ત અગાઉના 250થી 260 લાખ એકર વાવેતર અનુમાન કરતા વાસ્તવિક વાવેતર ઓછું છે. ગત મહિને રાબો બેન્કના એનાલિસ્ટે કહ્યું હતુ કે અૉસ્ટ્રેલિયામાં નબળો વરસાદ અને ગરમ હવામાને આગામી વર્ષનું ઘઉં ઉત્પાદન અંદાજ ઘટાડીને 180 લાખ ટન મુકવામાં આવ્યો છે. જોકે, આ અંદાજ ગતવર્ષ કરતા સહેજ વધુ છે પણ સરેરાશ કરતા ઓછો છે. અમેરિકામાં રજાઓ પછી ખુલેલા બજારમાં ટ્રેડરો નવા સોદા માટે ખાસ રસ દાખવતા ન હોવાથી યુરોનેક્સ્ટમાં પણ ભાવ દબાણમાં આવ્યા હતા. અલબત્ત, તાજેતરના ગરમ હવામાન પછી હળવો તબક્કો શરૂ થતા યુરોપમાં લણણી માટેના સંયોગો ઉજળા બન્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer