મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનો વાવેતર વિસ્તાર ઘટતાં

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનો વાવેતર વિસ્તાર ઘટતાં
ખાંડનું ઉત્પાદન 14 ટકા ઘટશે : ઈસ્મા
નવી દિલ્હી, તા. 9 જુલાઈ
2019-20ની સિઝનમાં ખાંડનું ઉત્પાદન 14.3 ટકા ઘટીને 2.82 કરોડ ટન થવાનું અનુમાન છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ જણાવ્યું છે કે આ ઘટાડો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતર વિસ્તાર ઘટવાને કારણે નોંધાશે. જૂન, 2019માં લેવાયેલી ઉપગ્રહ તસ્વીરોને આધારે પહેલી ઓક્ટોબર, 2019થી 30મી સપ્ટેમ્બર, 2020ની ખાંડની સિઝન માટે દેશમાં શેરડીનું કુલ વાવેતર 49.31 લાખ હેક્ટરમાં કરાયું હોવાની ધારણા છે, જે 2018-19ના પાક વર્ષ (55.02 લાખ હેક્ટર)ની સરખામણીએ 10 ટકાથી ઓછું છે. 
ઈસ્માએ જણાવ્યા મુજબ ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં શેરડીનો વાવેતર વિસ્તાર બે ટકા ઘટવાની ધારણા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 30 ટકા અને કર્ણાટકમાં 16 ટકા વાવેતર વિસ્તાર ઘટશે તેવું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં 2019-20માં ખાંડનું ઉત્પાદન આશરે 1.20 કરોડ ટન થવાનો અંદાજ છે, જે લગભગ પાછલા વર્ષ જેટલું જ રહેશે.
મહારાષ્ટ્રમાં વાવેતર ઘટવાનું મુખ્ય કારણ સપ્ટેમ્બર, 2018થી અત્યાર સુધીનો નબળો વરસાદ છે, જેનાથી જળસ્તર નીચા રહ્યા અને 15 મહિના તેમજ 12 મહિનાના પાકોને નુકસાન થયું. રાજ્યમાં 2018-19ની ખાંડની સિઝનમાં 1.15 લાખ હેક્ટર જમીનમાં શેરડીના વાવેતર સામે 2019-20માં વાવેતર ઘટીને 8.23 લાખ હેક્ટર થવાની ધારણા છે. આને પગલે ખાંડનું ઉત્પાદન 1.72 કરોડ ટનથી ઘટીને 2019-20માં 70 લાખ ટન થવાનું અનુમાન છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 43.65 લાખ ટનથી ઘટીને 35 લાખ ટન થશે.
30મી જૂન સુધીમાં દેશમાં 3.28 કરોડ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો વધીને 3.29 કરોડ ટન થવાનો અંદાજ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer