કૃષિ ક્ષેત્રે છ વર્ષમાં $ 100 અબજ નિકાસનો લક્ષ્યાંક

કૃષિ ક્ષેત્રે છ વર્ષમાં $ 100 અબજ નિકાસનો લક્ષ્યાંક
નવી દિલ્હી, તા. 9 જુલાઈ
હાલમાં દેશની કૃષિ નિકાસ આશરે 31-35 અબજ ડૉલર છે અને વૈશ્વિક બજારમાં પડકારજનક સ્થિતિ છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022-23 સુધીમાં કૃષિ ક્ષેત્રની આવક બમણી કરવાના પ્રયાસોના ભાગરૂપે આગામી છ વર્ષમાં કૃષિ સંબંધિત નિકાસ માટે 100 અબજ ડૉલરનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. 
વાણિજ્ય અને કૃષિ મંત્રાલયોએ અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં આ બાબતે ચર્ચા વિમર્શ કર્યા છે અને ડિસેમ્બર, 2018માં પ્રધાન મંડળે મંજૂર કરેલી રાષ્ટ્રીય કૃષિ નિકાસ નીતિના અમલીકરણનું આયોજન કર્યું છે. 
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે આ વિકાસની પ્રક્રિયા છે. આપણી પાસે મૂલ્ય વર્ધિત કૃષિ ઉત્પાદનો હોવા જરૂરી છે. જેમકે દૂધ ક્ષેત્રે ડેરી ઉત્પાદનો અને દરિયાઈ ઉત્પાદનો. આ લક્ષ્યાંક હાંસલ કરવા મલ્ટી મોડલ ફ્રેઇટ સ્ટેશનો, સહિત અદ્યતન અને વ્યાપક માળખાકીય સવલતો પણ જરૂરી છે. ઝડપથી બગડી જાય તેવાં ઉત્પાદનો માટે કસ્ટમની મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી હોવી જોઈએ. આ મુદ્દાઓને લગતું આયોજન થઈ રહ્યું છે.
ડાયરેક્ટોરેટ જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના આંકડા મુજબ તેલના વૈશ્વિક ભાવમાં ઘટાડા તેમજ 2014-15 અને 2015-16 દરમિયાન દુકાળને પગલે દેશની કૃષિ નિકાસનો કુલ વાર્ષિક વૃદ્ધિ દર 36 અબજ ડૉલર (2012-13)થી પાંચ ટકા ઘટીને 31 અબજ ડૉલર (2017-18) થયો હતો.
નવા આયોજનની મુખ્ય દરખાસ્તોમાં પ્રોસેસ્ડ કૃષિ ઉત્પાદનો અને તમામ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપરથી તમામ પ્રકારના નિકાસ નિયંત્રણો હટાવી લેવાશે. કૃષિ અને ખાદ્ય મંત્રાલયો એવી ખાદ્ય ચીજવસ્તુઓની યાદી બનાવશે, જેને હંમેશ માટે નિકાસ નિયંત્રણોમાંથી મુક્ત બનાવાશે.
નિકાસ આધારિત ઉત્પાદનો માટે સ્થાનિક બજારોમાં કરવેરાના ધોરણો સ્થાપિત કરવા બાબતે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ રાજ્યો સાથે ચર્ચા કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer