ફાર્મા - રિયલ્ટી સિવાય નિરસ ખરીદીથી શૅરબજાર સ્થિર

ફાર્મા - રિયલ્ટી સિવાય નિરસ ખરીદીથી શૅરબજાર સ્થિર
સેન્સેક્ષ 10 પૉઈન્ટસ વધ્યો, નિફટી 3 પૉઈન્ટસ ઘટયો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 9 જુલાઈ
ચીનની અર્થવ્યવસ્થામાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાં માગ ઘટવાની આગાહીઓથી આજે જપાન સિવાય તમામ મહત્ત્વનાં શૅરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેની અસરથી આજે સ્થાનિક શૅરબજારમાં પ્રત્યાઘાતી અપેક્ષિત સુધારો રુંધાયો હતો. આજે તોફાની વધઘટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી રોકાણકારો ઉપર ઝીંકાયેલ વેરા અને બાયબેક બાબતની સ્પષ્ટતા અંગે રાહ જોઈ રહ્યા હોવાનું ચિત્ર ઊપસે છે.
જેથી એનએસઈમાં નિફટી શરૂઆતની વધઘટ પચાવવા છતાં ટ્રેડિંગ અંતે 3 પૉઈન્ટ દબાણમાં 11556 બંધ રહ્યો હતો. જોકે, બીએસઈ સેન્સેક્ષ 10 પૉઈન્ટ વધીને 38730 બંધ હતો. સમગ્ર રીતે એનએસઈ ખાતેના ક્ષેત્રવાર સૂચકાંકોમાં પીએસયુ બૅન્ક 1.5 ટકા, રિયલ્ટી 3 ટકા અને ફાર્મા 3 ટકા સુધર્યા હતા. બાકીના તમામ ઈન્ડેક્સ નકારાત્મક બંધ રહ્યા હતા. નિફટી 11582 સુધી ગયા પછી સતત ઘટીને નીચેમાં 11461 સ્પર્શીને આખરે 11557 બંધ રહ્યો હતો. ટેક્નિકલ જાણકારોના મત પ્રમાણે એફઍન્ડઓના લેણ-વેચાણને જોતાં નિફટીમાં 11300 અને 11500 વચ્ચે નિફટી અથડાઈ શકે છે. આજના ટ્રેડ અંતે નિફટીના 25 શૅર સુધારે અને 25 ઘટીને બંધ હતા.
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી સ્થિરતાને લીધે આજે રિફાઈનિંગ શૅર થોડા સુધારે હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 28, ઈન્ડિયન અૉઈલ રૂા. 6, બૅન્કિંગમાં ઈન્ડસઈન્ડ રૂા. 16, એક્સિસ રૂા. 3, એસબીઆઈ રૂા. 4, બજાજ ફિનસર્વ રૂા. 262, ગ્રાસીમ રૂા. 22, એલઍન્ડટી રૂા. 36, અલ્ટ્રાટેક રૂા. 106, સનફાર્મા રૂા. 20, હીરો મોટર્સ રૂા. 64 વધ્યા હતા. આજે ઘટાડામાં મુખ્ય મારુતિ સુઝુકી રૂા. 93, ટાઈટન રૂા. 154, ટીસીએસ રૂા. 42, એચસીએલ રૂા. 18, એચડીએફસી બૅન્ક રૂા. 30, એશિયન પેઈન્ટ રૂા. 19, એચડીએફસી રૂા. 27, કોટક બૅન્ક રૂા. 12 અને એચયુએલમાં રૂા. 13નો ઘટાડો મુખ્ય હતો. આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 92 પૉઈન્ટ ઊંચે અને સ્મોલકેપ 7 પૉઈન્ટ સુધારે બંધ હતો.
આજના પ્રમાણમાં સુસ્ત ટ્રેડિંગ વચ્ચે હવે નવા ટ્રિગર સિવાય બજાર સાઈડવેવમાં અથડાશે એમ બજારના અનુભવીઓ માને છે. ઉપરમાં નિફટીમાં 11650-710નો પ્રતિકાર ઝોન મુખ્ય ગણાશે.
વ્યક્તિગત શૅરમાં ટાઈટનના પરિણામ અપેક્ષાથી ઊણા આવતા ભાવ 13 ટકા ઘટયો હતો. માઈન્ડ ટ્રીમાં વધુ 4 ટકા ઘટાડે શૅર રૂા. 736 બંધ હતો. બજારમાં ગ્રાહકોપયોગી કંપનીઓમાં માગ ઘટાડાના સંકેતથી ક્ષેત્ર પર દબાણ વધ્યું છે.
એશિયાનાં બજાર
એશિયાનાં બજારોમાં જપાન સિવાય નબળાઈ ચાલુ હતી. જપાનમાં નિક્કી 31 પૉઈન્ટ સુધારે હતો, જ્યારે હૉંગકૉંગમાં હૅંગસૅંગ 215 પૉઈન્ટ ઘટાડે રહ્યો હતો. કોસ્પી 12 પૉઈન્ટ અને ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ પાંચ પૉઈન્ટ નીચે બંધ રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer