બારમાસી બંદર દહેજ વિકસાવવાનું કામ સાંડેસરા પાસેથી છીનવી લેવાયું

બારમાસી બંદર દહેજ વિકસાવવાનું કામ સાંડેસરા પાસેથી છીનવી લેવાયું
વડોદરા, તા.9 જુલાઈ
ગુજરાત સરકારે રાજ્યમાં બારમાસી બંદર દહેજને વિકસાવવા માટે સ્ટર્લિંગ પોર્ટને આપેલી તમામ મંજૂરીઓ રદ્દ કરી છે. સરકારે 30 વર્ષનાં કન્સેશનની સવલત સાથે આ કોન્ટ્રેક્ટ સ્ટર્લિંગ પોર્ટને આપ્યો હતો.  
ગુજરાત મેરિટાઈમ બોર્ડના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્ટર્લિંગ પોર્ટ પાસેથી લેણાંની વસૂલી માટે ત્વરિત પગલાં લેવા ઉપરાંત દરેક મંજૂરી રદ્દ કરી છે. સ્ટર્લિંગ પોર્ટએ વડોદરાના સાંડેસરા ગ્રુપના નીતિન સાંડેસરાની છે. કંપનીએ નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટા પ્રમાણમાં દેવું લીધા હોવાનું બહાર આવતા નીતિન સાંડેસરા દેશ છોડીને ભાગી ગયો તો પણ આ કંપનીએ બંદરને વિકસાવવાનું કોન્ટ્રેક્ટ કામ ચાલુ રાખ્યું હતું. 
સ્ટર્લિંગ પોર્ટ્સ લિ.ના લેણદારોમાં શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ, આંધ્ર બૅન્ક અને કોર્પોરેશન બૅન્ક છે. સ્ટર્લિંગ પોર્ટના પ્રમોટર્સ આ પ્રોજેક્ટમાં 74 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સ્ટર્લિંગ બાયોટેક લિ.નો છે. 
સ્ટર્લિંગ બાયોટેકે વર્ષ 2008માં આ પ્રોજેક્ટને ચાર વર્ષમાં પૂરો કરવા માટે રસ દર્શાવ્યો હતો. 
અૉક્ટોબર 2017માં સેન્ટ્રલ બ્યરો અૉફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સ્ટર્લિંગ બાયોટેક લિ. વિરુદ્ધ રૂા.5383 કરોડની લોન આંધ્ર બૅન્કના નેતૃત્વ હેઠળની બૅન્કોના કોન્સોર્ટિયમને નહીં ચૂકવવા માટે કેસ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer