નવરત્ન કંપનીઓમાંથી રોકાણ છૂટું કરીને બજેટખાધને સરભર કરાશે

નવરત્ન કંપનીઓમાંથી રોકાણ છૂટું કરીને બજેટખાધને સરભર કરાશે
ઓએનજીસી, આઈઓસી, એનટીપીસી અને ગેઈલમાં રોકાણ છૂટું કરવાની યોજના
એજન્સીસ, નવી દિલ્હી, તા. 9 જુલાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બજેટખાધને અંકુશમાં રાખવા અને તે સાથે આર્થિક વિકાસને વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ થયા છે ત્યારે જાહેર ક્ષેત્રની સૌથી વધુ નફો કરતી કંપનીઓમાં સરકાર પોતાનો સીધો હિસ્સો છૂટો કરે તેવી  શક્યતા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. 
આ હેતુ માટે સરકારે ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશન (ઓએનજીસી), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), એનટીપીસી લિ. અને ગેઈલ ઈન્ડિયા લિ.માં રોકાણ છૂટું કરવાની યોજના તૈયાર કરી હોવાનું અતાનુ ચક્રવર્તીએ અહીં જણાવ્યું હતું. ચક્રવર્તી વડા પ્રધાન મોદીના એસેટ સેલ વિભાગનું કામકાજ સંભાળે છે. આ કંપનીઓમાં સરકારનો મૂડી ભાગ 51 ટકાથી નીચે લાવવાની આ યોજના છે. જોકે, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) જેવા જાહેર એકમમાં સરકારનું પરોક્ષ હોલ્ડિંગ 51 ટકાથી ઉપર રહેશે, એમ ચક્રવર્તીએ જણાવ્યું હતું. 
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા અઠવાડિયે તેમના સૌપ્રથમ બજેટમાં એક એપ્રિલથી શરૂ થયેલા નાણાવર્ષ દરમિયાન રૂા.1.05 લાખ કરોડના એસેટ સેલનો ટાર્ગેટ રજૂ કર્યો હતો. જાહેર ક્ષેત્રોની અમુક કંપનીઓમાં સરકારનું સીધું હોલ્ડિંગ 51 ટકાથી નીચે લાવવાની દરખાસ્ત સીતારામનના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, મૂડી રોકાણ છૂટું કરવાની પ્રક્રિયા પ્રત્યેક કંપનીની કામગીરીના આધારે હાથ ધરવામાં આવશે, એમ સીતારામને તેમના બજેટમાં જણાવ્યું હતું. 
આ સંદર્ભે કે આર ચોક્સી શૅર્સ એન્ડ સિક્યુરિટીઝના એમડી દેવેન ચોક્સીએ જણાવ્યું કે, સરકારે તેમના એકમોમાં વ્યૂહાત્મક રોકાણકારોને લાવવા જ પડશે. જેથી મેનેજમેન્ટમાં સુધારો થાય અને આ કંપનીઓનો વૃદ્ધિદર બહેતર બને. 
વર્ષ 2017માં તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલીએ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓને સંકલિત કરવાની યોજના રજૂ કરી હતી, જેથી આંતરરાષ્ટ્રીય ઓઈલ અને ગૅસ કંપનીઓ સામે ટક્કર આપી શકાય. 
ચક્રવર્તીના જણાવ્યા મુજબ આ વર્ષે સરકાર નિશ્ચિતપણે મોટા પાયે મૂડીરોકાણ છૂટું કરશે અને તેમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સૌથી વધુ આકર્ષક રૂટ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer