ટીસીએસનો નફો 11 ટકા વધ્યો, નફાશક્તિ પણ વધી

ટીસીએસનો નફો 11 ટકા વધ્યો, નફાશક્તિ પણ વધી
જૂન '19 ત્રિમાસિક કૉર્પોરેટ પરિણામોની મોસમનો શુભારંભ
શૅરદીઠ રૂા. પાંચનું વચગાળાનું ડિવિડંડ ચૂકવશે
એજન્સીસ, મુંબઈ, તા. 9 જુલાઈ
ભારતની સૌથી મોટી સોફટવેર સર્વિસીસ કંપની-તાતા કન્સલટન્સી સર્વિસીસ લિ. (ટીસીએસ)એ 30 જૂન, 2019ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂા. 8131 કરોડ (1.19 અબજ ડૉલર)નો દર્શાવ્યો છે જે આગલા વર્ષના આ જ ગાળામાં રૂા. 7340 કરોડ હતો. દલાલ સ્ટ્રીટનો અંદાજ રૂા. 7801 કરોડ નફાનો હતો, પણ કંપનીએ તેથી ઘણી સારી કામગીરી દર્શાવી છે.
સૂચિત ત્રિમાસિક ગાળાની આવક 11.4 ટકા વધી રૂા. 38,172 કરોડ થઈ છે.
કંપનીના બોર્ડે શૅરદીઠ રૂા. પાંચના વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.
અૉપરેટિંગ માર્જિન 24.2 ટકા થયું છે જે માર્ચ ક્વાર્ટરમાં 25.1 ટકા હતું અને ગત વર્ષના આ જ ક્વાર્ટરમાં 25 ટકા હતું. નેટ માર્જિન 21.3 ટકા રહ્યું છે.
લગભગ તમામ વિભાગોમાં કંપનીની કામગીરી સારી રહી હતી. લાઈફ સાયન્સ, હેલ્થકેર પૅક વિકાસદર 18.1 ટકા, બીએફએસઆઈનો 9.2 ટકા, રિટેલ અને ઈપીજીનો 7.9 ટકા, કોમ્યુનિકેશન-મીડિયાનો 8.4 ટકા, ટેક્નૉલૉજી અને સર્વિસીસનો 7.8 ટકા, મેન્યુફેક્ચરિંગ 5.5 ટકા નોંધાયો છે.
ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે અમારી અૉર્ડર બુક મજબૂત છે અને આ ક્વાર્ટરમાં પાઈપલાઈનમાં ઘણા સોદાનો અવકાશ છે.
વિશ્વ સ્તરે કંપનીની કામગીરીમાં યુકે 16 ટકા, ભારત 15.9 ટકા અને યુરોપ 15 ટકા સાથે અગ્રણી રહેલ છે. તે બાદ ઉત્તર અમેરિકા (7.7 ટકા), એશિયા પેસેફિક (9.5 ટકા), એમઈએ 6.4 ટકા અને લેટીન અમેરિકા 6.4 ટકા સુધી નોંધાયેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer