નાફેડની મગફળીના વેચાણમાં 90 ટકાનો ઘટાડો

રાજકોટ, તા. 16 જુલાઈ
સીંગદાણાની ઠપ થયેલી નિકાસ અને સીંગતેલની માગ નહિવત્ રહેવાથી નાફેડની મગફળીના સોદા સાવ ઠપ થઇ ચૂક્યા છે. ગયા મહિનાની તુલનાએ ફક્ત 10 ટકા જ વેચાણ થાય છે. નાફેડ પાસે હજુ આશરે સવા ત્રણ લાખ ટન જેટલી 2017 અને 2018ના વર્ષની મગફળી પડી છે. અલબત્ત આ વર્ષે વરસાદના અભાવ વચ્ચે મગફળીના પાકનું ભાવિ ડામાડોળ બન્યું છે ત્યારે સ્ટોક ઉપયોગી બની રહે તેમ છે.
મગફળી અને દાણા બજારના અભ્યાસુ વેપારી અલ્પેશ કેસરીયા કહે છે, નાફેડ પાસે પાછલા અઠવાડિયામાં જૂની મગફળીનો 45,875 ટન અને નવી મગફળીનો 2,64,458 ટનનો સ્ટોક હતો. એમાંથી પાંચેક હજાર ટનના સોદા માંડ થયા છે એટલે સંસ્થા પાસે માતબર સ્ટોક છે. પરંતુ હવે માગ નથી. તેલ અને દાણાની ખપત થતી નથી એટલે નાફેડની મગફળીના ભાવ પણ તૂટયા છે.
પખવાડિયા પૂર્વે નાફેડની મગફળી ક્વિન્ટલે રૂા. 5500 સુધી વેચાઇ હતી તેના અત્યારે રૂા. 5100 માંડ ઊપજી રહ્યા છે. જૂની મગફળી પણ રૂા. 200 જેટલી તૂટીને રૂા. 3950માં મળવા લાગી છે. છતાં માગનો અભાવ છે. અન્ય એક વેપારી કહે છે, દેશાવરમાં દોઢ ટકા એફએફએવાળું તેલ દક્ષિણ ભારતમાં ખૂબ જતું હતું પણ અત્યારે નિકાસ શૂન્ય છે. પરિણામે દોઢ ટકાનો ભાવ રૂા. 990 સુધી ગયા પછી અત્યારે રૂા. 930 છે.
એ ગ્રેડના શુદ્ધ સીંગતેલ લૂઝનો ભાવ રૂા.1125 સુધી છે છતાં  તેલ બનતું નથી એટલે નામી બ્રાન્ડવાળાને માલ મળવાની મુશ્કેલી છે. જોકે રનિંગ તેલ રૂા. 1025 સુધી મળે છે એમાંય સોદા થતા નથી. સીંગતેલની વિવિધ વેરાઇટીઓ વચ્ચે માલની ગુણવત્તા પ્રમાણે તફાવત પણ ઘણો જ વધી ગયો છે. સીંગદાણામાં પણ આવી જ સ્થિતિ છે. ટીજે ઉનાળુ દાણાનો ભાવ નિકાસમાં 80-90 કાઉન્ટમાં વધીને ટને રૂા. 94,000 થઇ ગયા પછી અત્યારે રૂા. 87,000માંય વેપાર થતો નથી. દાણાની વિદેશમાં માગ સાવ અટકી પડી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer