જીરુંના ભાવ હજી વધવાની સંભાવના

વ્યાપાર માટે ખાસ
મુંબઈ, તા. 16 જુલાઈ
જીરું વાયદો આગામી દિવસોમાં 19 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરને સ્પર્શી શકે છે. જીરુંમાં આગામી દિવસોના તહેવારલક્ષી સિઝનમાં નિકાસ તેમજ સ્થાનિક માગના સથવારે તેજી આવશે એવું દેખાઇ રહ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં જીરું 2,12,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને સ્પર્શી ગયો હતો. 
જીરુંના ભાવ વિતેલા એક મહિનાથી વધારે સમય સુધી સાઇડ-વે રહ્યા કારણ કે તેની સપ્લાય માગને અનુરૂપ હતી, તેમજ વિતેલાં કેટલાંક સપ્તાહ તે 17,000થી 17,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે રહ્યા હતા. કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સ ખાતે વીતેલા શુક્રવારે 17,795 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયું હતું. એનસીડીઇએક્સ ખાતે સોમવારે જીરુંનો ઓગસ્ટ વાયદો 2.42 ટકા એટલે કે 430 રૂપિયા વધીને 18,225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે બંધ થયો હતો. 
ટ્રેડર્સનું કહેવું છે કે ભારતીય જીરુંના પ્રતિસ્પર્ધી દેશ સીરિયા અને તુર્કીમાં જીરુંનો પાક નબળો છે જેના પગલે ભારત આગામી કેટલાક મહિનાઓ સુધી દુનિયાભરમાં જીરુંનો મુખ્ય સપ્લાયર દેશ બની રહેશે. કનુ કૃષ્ણા કોર્પોરેશનના દીપક પારેખનું કહેવું છે કે ચાલુ વર્ષે તુર્કીમાં જીરુંનો પાક માત્ર 4 હજાર ટનની આસપાસ છે. જ્યારે ત્યાં સામાન્ય ઉત્પાદન 18 હજાર ટન રહેતું હોય છે. સીરિયામાં ખરાબ હવામાનથી પાકને નુકસાન થયા બાદ ત્યાં ઉત્પાદનમાં 30 ટકાથી વધારે ઘટાડો થયો છે. 
બીજી બાજુ ચીનની માગ ભારતીય જીરું માટે વધી છે. ચીનની ગત સપ્તાહે ભારતીય જીરુંમાં માગ વધી છે. હવે ભારતમાંથી ચીનને જીરુંની સીધી નિકાસ કરી શકાય છે, જે અગાઉ વિયેટનામ મારફતે થઇ રહી હતી. ભારતમાં ચાલુ વર્ષે ગુજરાતમાં જીરુંનું નબળું ઉત્પાદન રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં ઉત્પાદન વધ્યું છે. વેપારીઓના મતે દેશમાં ચાલુ વર્ષે લગભગ 6 લાખ ટન જીરું ઉત્પાદન થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer