કૉમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ ઘટાડવાની માગ ઉપર સરકાર વિચારણા કરશે

નવી દિલ્હી, તા. 16 જુલાઈ
નાણાં અને કંપની બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ સિંઘ ઠાકુરે જણાવ્યું છે કે સરકાર કૉમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (સીટીટી)નો દર ઘટાડવાની માગણી વિશે વિચાર કરશે. 
ઠાકુરે જણાવ્યું કે સીટીટી ઘટાડવા બાબતે વિવિધ વિભાગો અને હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરીશું. કૉમોડિટી પાર્ટિસિપન્ટ્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીપીએઆઈ)ના પ્રમુખ નરીન્દર વાધવાએ જણાવ્યું કે સીટીટીને કારણે કૉમોડિટીના ભાવનું જોખમ ઘટાડવાની દૃષ્ટિએ ભારત સૌથી મોંઘું બજાર છે. 
ઠાકુરે કહ્યું કે ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા અને લાખો રોજગાર સર્જવા માટે બજારોને વધુ મજબૂત બનાવવા વધુ પગલાં લેવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. 
સીટીટીનો વિચાર 2008-09ના બજેટમાં તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે મૂક્યો હતો. કૉમોડિટી એક્સચેન્જીસ તેમ જ ટ્રેડર્સના ભારે વિરોધને કારણે તે અમલી બની શક્યો ન હતો. તે પછી 2013માં કૃષિ સિવાયની કૉમોડિટીઝ ફ્યુચર્સ ઉપર સોદાની કિંમતના 0.01 ટકા લેખે સીટીટી અમલી બનાવાયો હતો. કૃષિ ક્ષેત્રની મોટા ભાગની કૉમોડિટીઝને અપવાદ મળ્યો હોવા છતાં થોડા સમય બાદ કેટલીક પ્રોસેસ્ડ કૉમોડિટીઝને સીટીટી હેઠળ સામેલ કરાઈ હતી. 2018માં કૉમોડિટી ઓપ્શન્સ ઉપર પણ સીટીટી લાદવામાં આવ્યો હતો.
ઠાકુરે જણાવ્યું કે ઈક્વિટીના બ્રોકર્સ કૉમોડિટીઝમાં તેમ જ કૉમોડિટીઝના બ્રોકર્સ ઈક્વિટી બજારમાં કામ કરી શકે તે માટે તમામ અવરોધો દૂર કરવા સરકારે ખાતરી આપી છે. તેનાથી છૂટક રોકાણકારોની બજાર સુધીની પહોંચ વધશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer