પાકિસ્તાને ભારત માટે હવાઈસીમા ખુલ્લી મૂકી

હવે ભારતીય વિમાનો પસાર થઈ શકશે : ઍર ઈન્ડિયાને મોટી રાહત
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 16 જુલાઈ
પાકિસ્તાને નાગરિક ઉડાણો માટે પોતાની તમામ ઍરસ્પેસને ખોલી દીધી છે. હવે ભારતીય પ્લેન પાકિસ્તાનની હવાઈ સીમામાંથી પસાર થઈ શકશે.
પાકિસ્તાને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઈ હુમલા બાદથી ભારતીય ફ્લાઈટોને પસાર થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદથી ભારતીય વિમાનો અહીંથી પસાર નહોતા થતા. પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ એવીએશન કોરિડોરની વચ્ચે આવે છે.
આથી સૌથી મોટી રાહત ઍર ઇન્ડિયાને થશે. ઍર ઇન્ડિયા દિલ્હીથી યુરોપ અને યુએસ ખાતે જે વિવિધ આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચલાવતી હતી તેના રૂટ બદલવા પડયા હતા. આથી ઍર ઇન્ડિયાએ આ પાંચ મહિનામાં લગભગ રૂા. 491 કરોડની જંગી નાણાકીય ખોટ વેઠી હતી. ખાનગી ઍરલાઈન્સોમાં સ્પાઈસ જેટએ રૂા. 30.73 કરોડની, ઇન્ડિગોએ રૂા. 25.1 કરોડની અને ગોઍરએ રૂા. 2.1 કરોડની નુકસાની વેઠી હતી.
પાકિસ્તાને પણ તેનાથી ભારે નુકસાન વેઠવું પડતું હતું. એક અનુમાન મુજબ પાકિસ્તાનને એક ફલાઈટથી સરેરાશ 500 ડૉલર મળતા હતા, પરંતુ ઍરસ્પેસ બંધ થયા બાદથી તેની કમાણી બંધ થઈ ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer