કારખાનેદારોને ધીરજ રાખી કારીગરોને સાચવી લેવાની સલાહ

કારખાનેદારોને ધીરજ રાખી કારીગરોને સાચવી લેવાની સલાહ
નિરાશાવાદી બનવાની જરૂર નથી : ગોવિંદભાઈ ધોળકિયા
ખ્યાતિ જોશી
સુરત, તા. 16 જુલાઈ
2008માં આવેલી વૈશ્વિક મંદી જેવી સ્થિતિ ફરી એક વખત હીરાઉદ્યોગમાં નિર્માણ પામી છે. પરંતુ, આ વખતની મંદી માનવસર્જિત હોવાનું હીરાઉદ્યોગના ટોચના સાહસિકોનું માનવું છે. સ્થિતિ થોડા સમયમાં સુધરી જશે તેવી આશાએ પોલિશ્ડ હીરા કારખાનેદારોએ બનાવ્યે જ રાખતાં કપરી સ્થિતિ નિર્માણ પામી હોવાનું હીરાઉદ્યોગના મોભી સેવંતી શાહ અને ગોવિંદ ધોળકિયાએ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત હીરા ઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિને લઈને યોજાયેલા કાર્યક્રમમાં ટાંકી હતી.  
શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ ધોળકિયાએ ઉપસ્થિત કારખાનેદારોને કહ્યું હતું કે, આત્મનિરીક્ષણ કરવાનો સમય પાકી ગયો છે. તેજીમાં આપણે પાછું વળીને જોતા નથી. તો મંદીમાંથી આપણે ઘણું શીખવાનું છે. 
તેમણે ઉમેર્યુ હતું કે, કારીગરોને છૂટ્ટા કરી કામકાજ બંધ રાખવા એ વિકલ્પ નથી. આ માટે કારખાનેદારે કારીગરો સાથે વાતચીત કરી સપ્તાહમાં કામના કલાકો ઘટાડી કે એક દિવસની રજા કરીને પણ કામકાજ ચાલુ રાખી શકાય છે. આજે પણ ઉદ્યોગમાં એવા વિરલા બેઠા છે જેઓ ઘરની મૂડી રોકીને કારીગરોને સાચવી રાખવાની હિંમત ધરાવે છે. હીરાનો ધંધો એવો છે જેમાં કોઈ બહારથી નાણાં લાવ્યાં નથી. પરંતુ, નાણાં આપણે સમાજમાં ઠાલવ્યાં છે. હીરાના ધંધાનાં નાણાં બીજા ધંધામાં લાગ્યાં છે. જે દર્શાવે છે કે હીરાનો ધંધો સતત વધ્યો છે. આ ધંધામાં આગળ પણ અનેક તકો છે. ચોક્કસ નબળો સમય આવ્યો છે. આ નબળો સમય પણ પસાર થઈ જશે.
વિનશ જ્વેલના ચૅરમૅન સેવંતી શાહે કારખાનેદારોને કહ્યું હતું કે, બૅન્કો દ્વારા ફાઇનાન્સ મળતું નથી. બીજી કોઈ જગ્યાએથી નાણાં આવતાં નથી. આ તમામ બાબતો અમે જાણીએ છીએ. એક-બે વ્યક્તિના કારણે સમગ્ર હીરાઉદ્યોગ માટે બૅન્કો કડક વલણ રાખે તે યોગ્ય પણ નથી. આ તમામ વાત સરકાર પણ સારી રીતે જાણે છે. તેમ જ અમે પણ સંગઠનોનાં માધ્યમથી અને વ્યકિતગત રીતે સરકાર સુધી પહોંચાડી છે. સરકાર આ મામલે કોઈને કોઈ ઉકેલ લાવશે તેવી આશા છે. 
કારીગરોને કેવી રીતે સાચવી લેવા, રફ-પોલિશ્ડના ભાવ અને ટેન્ડરિંગ પ્રક્રિયા, ડિમાન્ડ-સપ્લાઈની ચેઈન, બૅન્કોનાં ધિરાણ સહિતના મુદ્દે ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી, જીજેઈપીસીના ગુજરાત રિજનના ચૅરમૅન દિનેશ નાવડિયા સહિતનાં ઉદ્યોગ સાહસિકોએ હીરાના કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા.
10 હજાર બેકાર રત્નકલાકારોની નોંધણી કરી
ડાયમંડ વર્કર યુનિયન- ગુજરાતના પ્રમુખ રણમલ જીલરિયાએ જણાવ્યું હતું કે, અમે પહેલી વખત રાજ્યમાં હીરાના બેરોજગાર કારીગરોની નોંધણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં અમને 10 હજાર લોકોએ ફોન કરી પોતે બેરોજગાર હોવાનું જણાવ્યું હતું. અમે આ મામલે રાજ્ય સરકારને પત્ર લખી બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવાની માગ કરી છે. શહેરમાં ભાડાનાં મકાનમાં રહેતાં રત્નકલાકારોનાં ભાડાંમાફીની માગ કરી છે. બેરોજગાર રત્નકલાકારોનાં બાળકોને શિક્ષણ નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની માગ સરકાર સમક્ષ કરી છે. રાજ્યમાં સૌથી વધુ હીરાના કારીગરો સુરતમાં છે. સુરત મનપા દ્વારા વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે, તેને નાબૂદ કરવામાં આવે તેવી માગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer