રાજકોટને દિલ્હી માટે વધુ એક ફ્લાઇટ મળી

રાજકોટને દિલ્હી માટે વધુ એક ફ્લાઇટ મળી
પહેલી ઓગસ્ટથી દરરોજ રાજકોટથી દિલ્હી માટે બે ફ્લાઇટ :
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 16 જુલાઈ
સૌથી વધારે ટ્રાફિક ધરાવતા રાજકોટ-મુંબઇ રૂટ ઉપર એકાંતરે અર્થાત્ અઠવાડિયામાં ફક્ત ચાર ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ ઉપરથી ઊડી રહી છે. એના કારણે હજારો મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટથી દિલ્હી માટે એર ઇન્ડિયા દ્વારા વધુ એક દૈનિક ફ્લાઇટ પહેલી ઓગસ્ટથી શરૂ કરવાની જાહેરાત થઇ છે. આમ દિલ્હી માટે રાજકોટથી હવે રોજ બે બે ફ્લાઇટો ઊડશે.
સાંસદ મોહન કુંડારીયા તથા પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા દિવસો પૂર્વે ઉડ્ડયન પ્રધાન સમક્ષ દિલ્હીની ફ્લાઇટ માટે રજૂઆત કરવામાં આવી હતી. એ સફળ થઇ છે. રાજકોટ ચેમ્બર દ્વારા પણ સતત માગણી આ મુદ્દે કરવામાં આવી હતી. હવે એર ઇન્ડિયા પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ શરૂ કરશે.  આ ફ્લાઇટ દૈનિક હશે. આ ફ્લાઇટ માટેનો સમય બપોરનો પસંદ કરાયો છે. ફ્લાઇટ દરરોજ બપોરે 2.35 કલાકે રાજકોટ આવશે અને 3.10 કલાકે દિલ્હી જવા માટે ઊડશે.
રાજકોટથી પ્રવર્તમાન સમયે ત્રણ દિવસ સવારે અને ચાર દિવસ સાંજે ફ્લાઇટ ઊડી રહી છે. હવે દૈનિક ફ્લાઇટ મળતાં રાજકોટનું એરપોર્ટ ફરીથી ધમધમવા લાગશે. રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી રાજકોટ આવવા માટે પૂરતો ટ્રાફિક એરપોર્ટ પર રહેતો હોય છે એટલે ફ્લાઇટ સહેલાઇથી જળવાઇ રહેશે. એ કારણે હવે ટિકિટનો દર પણ થોડો નીચો આવશે. અત્યારે દિલ્હીની ફ્લાઇટમાં સરેરાશ રૂા. 5500થી 6500 વચ્ચેના ટિકિટના દર ચાલી રહ્યા છે.
બીજી તરફ મુંબઇની ફ્લાઇટ મુદ્દે રાજકોટને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. મુંબઇ માટે અગાઉ ડેઇલી ફ્લાઇટ હતી, પરંતુ પહેલી જુલાઇથી વિમાન હજયાત્રા માટે ફાળવાતાં હવે એકાંતરે ફ્લાઇટ થઇ ચૂકી છે. 
હવે ઓગસ્ટ પછી જ મુંબઇની ફ્લાઇટ દૈનિક મળશે. આ મુદ્દે પણ સાંસદો અને ચેમ્બર દ્વારા અનેક રજૂઆતો થઇ હતી પણ મુંબઇની ફ્લાઇટનો મુદ્દો ઉકેલાયો નથી. 
દિલ્હીની ફ્લાઇટ તો અત્યારે પણ રોજ ઊડી રહી છે ત્યારે દિલ્હી માટે ફાળવવામાં આવનારું વધારાનું એરક્રાફ્ટ મુંબઇ માટે ન ફાળવી શકાય? એવો સવાલ બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer