સોનામાં મધ્યસ્થ બૅન્કોની જોરદાર લેવાલીથી તેજીમાં ઇંધણ

સોનામાં મધ્યસ્થ બૅન્કોની જોરદાર લેવાલીથી તેજીમાં ઇંધણ
મુંબઈ, તા. 16 જુલાઈ
વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કોની જોરદાર લેવાલીને પગલે સોનામાં માનસ તેજીતરફી થઈ ગયું છે. પોલેન્ડે જૂન મહિનામાં 95 ટન સોનું ખરીદ્યું હતું, જે તાજેતરનાં વર્ષોમાં કદાચ સૌથી મોટી માસિક ખરીદી છે. ચીને 10.3 ટન સોનાની ખરીદી કરી હતી.
વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કોએ જૂનમાં ખરીદેલા સોનાના સંપૂર્ણ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ સોનાના ભાવ 11 ટકા વધીને ઔંસ દીઠ 1420 ડૉલર થઈ ગયા તે દર્શાવે છે કે મધ્યસ્થ બૅન્કોની ખરીદીએ સોનાની તેજીને ખાસ્સું ઇંધણ પૂરું પાડયું છે.
પોલેન્ડની સરકારે કરેલી જાહેરાત અનુસાર તેની બૅન્કે જૂન મહિનામાં 95 ટન સોના - સોનું ખરીદતાં તેની આ વર્ષની અત્યાર સુધીની કુલ ખરીદી 100 ટન થઈ ગઈ છે.
ગયે વર્ષે તેણે 26 ટન સોનું લીધું હતું. હાલ તેનો સોનાનો અનામત જથ્થો 229 ટન છે. ચીનની મધ્યસ્થ બૅન્કે વર્તમાન કેલેન્ડર વર્ષમાં 85 ટન સોનાની ખરીદી કરી છે.
જૂન મહિનાના મુકાબલે મે મહિનામાં મધ્યસ્થ બૅન્કોની સોનાની ખરીદી ઓછી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ મે મહિનામાં 5.6 ટન સોનું ખરીદતા તેની પાસેનો સોનાનો અનામત જથ્થો 618.2 ટન પર પહોંચ્યો હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના માર્કેટ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર એલીસ્ટેટ હેવિટે કહ્યું હતું કે મધ્યસ્થ બૅન્કોની એક સાથે એક ટન અથવા વધુ જથ્થાની ખરીદી મે મહિનામાં 35.8 ટન હતી જે એપ્રિલની સરખામણીમાં 27 ટકા નીચી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં મધ્યસ્થ બૅન્કોએ 247.3 ટન સોનું ખરીદ્યું છે જે વાર્ષિક ધોરણે 73 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ઊભરતી બજારો ધરાવતા દેશોની ખાસ કરીને રશિયા, ચીન, તુર્કી અને કઝાખસ્તાનની મધ્યસ્થ બૅન્કોની આંતરરાષ્ટ્રીય સુવર્ણ બજારમાં બોલબાલા રહી છે, અને એ જ બૅન્કો આ વર્ષે પણ મોટાપાયે લેવાલ છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ 2018માં 42 ટન સોનું ખરીદ્યું હતું અને આ વર્ષે બીજા 18 ટનની ખરીદી કરી છે. 2018 અગાઉ તેણે 2009માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં 2018માં પાંચ દાયકા પછી મધ્યસ્થ બૅન્કો એકદમ હરકતમાં આવી હતી અને તેમણે કુલ 651.5 ટન સોનું ખરીદ્યું હતું. તેમના વિદેશી મુદ્રાના ભંડારોમાં ડૉલરનું પ્રમાણ વધી જવાથી તેઓ ચિંતિત છે. જોખમ ઘટાડવા તે સોનું ખરીદી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer