વૈશ્વિક અને સ્થાનિક માગ ઘટતા લોખંડના ભાવ સતત દબાણમાં

વૈશ્વિક અને સ્થાનિક માગ ઘટતા લોખંડના ભાવ સતત દબાણમાં
આયાતી એચઆર કોઇલ્સ $ 510
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 જુલાઈ
અમેરિકા-ચીન અને અમેરિકા-ઇરાન વચ્ચે ઉગ્ર બની રહેલા ઘર્ષણને લીધે વૈશ્વિક સ્તરે લોખંડનો વપરાશ ઘટી રહ્યો છે. તેને લીધે સ્થાનિક બજારમાંથી લોખંડની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નિકાસ ઘટતાં સ્થાનિકમાં પ્રાઇમરી લોખંડની પુરાંત સર્જાવાથી રોલિંગના માલોના ભાવ પણ દબાણમાં આવ્યા છે. આ તરફ વૈશ્વિક બજારોમાં લોખંડના ભાવ દબાણમાં આવવાથી ભારતમાં આયાત થતી સીઆર (કોલ્ડ રોલ્ડ) કોઇલ્સના ભાવ ઘટીને ટનદીઠ 510 ડૉલર ક્વોટ થયો છે. ચીનના માલ પર ભારે આયાતડયૂટી હોવાથી જપાન અને દક્ષિણ કોરિયાથી જકાત મુક્ત આયાતમાં વધારો થયો છે, જેનાથી કેન્દ્ર સરકાર પણ વિમાસણમાં મૂકાઈ છે.
સ્થાનિક અગ્રણી લોખંડ સ્ટોકિસ્ટોના જણાવ્યા પ્રમાણે કાર ઉદ્યોગ અને માળખાકીય ક્ષેત્રની લોખંડની માગ નોંધપાત્ર ઘટવાથી સ્થાનિક બજારોમાં સખત નાણાભીડનો માહોલ સર્જાયો છે. માગ ઘટી જતાં દેશના અગ્રણી પ્રાઇમરી લોખંડ ઉત્પાદકો પણ ભારે ભીંસમાં મુકાયાના આંતરિક અહેવાલ છે. આ ઘટનાપ્રવાહની સૌથી ગંભીર અસર નાની અને મધ્યમ રોલિંગ મિલો પર પડી છે.
અગ્રણી આયાતકારો અને સપ્લાયરોના અનુમાન પ્રમાણે અત્યારે ચોમાસું હોવાથી હવે લોખંડની નવી નક્કર માગ આગામી સપ્ટેમ્બર પછી જ શરૂ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer