નલ સે જલ યોજના માટે

નલ સે જલ યોજના માટે
રૂા.6.3 લાખ કરોડનું રોકાણ થવાની શક્યતા 
નવી સ્કીમ હેઠળ વર્ષ 2024 સુધીમાં દરેક ઘરોમાં નળ દ્વારા પાણી પુરવઠો આપવાનું લક્ષ્ય
પીટીઆઇ
નવી દિલ્હી તા. 16 જુલાઈ
કેન્દ્ર સરકારે નલ સે જલ યોજનાની જાહેરાત કરતાં પાણી પુરવઠા અને જળ નિ:સરણ ક્ષેત્રમાં રૂા.6.3 લાખ કરોડનું રોકાણ આવતા પાંચ વર્ષમાં આવે તેવી શક્યતા એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
જેએમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂટના અહેવાલ અનુસાર સરકારે જાહેર કરેલી આ નવી સ્કીમ હેઠળ વર્ષ 2024 સુધીમાં દરેક ઘરોમાં નળ દ્વારા પાણી પુરવઠો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તે કારણે પાણી પુરવઠા અને જળ:નિસરણ ક્ષેત્રમાં મોટાપ્રમાણમાં મૂડી રોકાણ આવવાની શક્યતા છે.
પાઇપ્સ, ઇપીસી, વૉટર ટ્રીટમેન્ટ પમ્પ્સ અને વૉલ્વ્સ અને સિમેન્ટ જેવી વિવિધ બાબતોમાં મોટાપાયે રોકાણ થવાની સંભાવના હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર થયેલા અભ્યાસ મુજબ માથાદીઠ ધોરણે પાઇપ દ્વારા પાણી પુરવઠા માટે રૂા.આઠથી નવ હજારનો ખર્ચ આવશે. આ ગણતરી અનુસાર વર્ષ 2020થી 2025 વચ્ચે રૂા.5.6થી 6.3 લાખ કરોડનો ખર્ચ થશે, જે વર્ષ 2014થી 2019 દરમિયાન આ હેતુસર કરાયેલા કરાયેલા ખર્ચ કરતાં લગભગ બમણો હશે. 
જોકે, દેશના વિવિધ રાજ્યોની ભૌગોલિક રચના, ત્યાં પાણીની ઉપલબ્ધતાં, પર્વતીય વિસ્તાર વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો ખર્ચ તુલનાત્મક રીતે જુદો આવી શકે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 
ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારમાં એક ઘરને પાઇપ દ્વારા પાણી પૂરું પાડવા માટે રૂા.18 હજાર સુધીનો ખર્ચ આવી શકે જ્યારે કર્ણાટકમાં તે ખર્ચ માત્ર રૂા. 3 હજાર પણ થઇ શકે, એમ આ અહેવાલમાં ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે.
આ સાથે પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં પાઇપ વડે પીવાનું પાણી પૂરું પાડવા માટેની યોજના માટે મોટા પ્રમાણમાં રોકાણ કરવાની જરૂર પડશે. આ બજેટમાં જલ શક્તિ મંત્રાલયે રૂા.28,261.59 કરોડની આર્થિક જોગવાઇ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer