કૃષિ ધિરાણ મેળવતા ખેડૂતો સહિત તમામ માટે

કૃષિ ધિરાણ મેળવતા ખેડૂતો સહિત તમામ માટે
પાક વીમો મરજિયાત બનાવાશે
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 16 જુલાઈ
પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનામાં સરકાર કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા વિચારી રહી છે, જેમાં તમામ ખેડૂતો માટે પાક વીમો મરજિયાત કરવો, ઊંચું પ્રીમિયમ ધરાવતા પાકો હટાવી લેવા તેમજ રાજ્યોને પોતાને અનુકૂળ માર્કેટિંગની છૂટ આપવા જેવા મુદ્દા સામેલ છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે કૃષિ મંત્રાલયે રાજ્ય-કક્ષાનું ભંડોળ સ્થાપવાની તેમજ રાષ્ટ્રીય સ્તરે વીમાના જોખમ પેટે થતી ફાળવણી (જે હાલમાં વીમા કંપનીઓને ચૂકવાય છે)ને આ ભંડોળમાં લઈ જવાની દરખાસ્ત પણ મૂકી છે. મંત્રાલયે પાક વીમા યોજનામાં જો પાકના 50 ટકા કરતાં વધુ વિસ્તારમાં સિંચાઈ થતી હોય તો 25 ટકા જેટલી પ્રીમિયમની ટોચમર્યાદા નક્કી કરવાનું પણ સૂચવ્યું છે, જેને દર વર્ષે નવેસરથી નક્કી કરી શકાય. 50 ટકાથી ઓછા વિસ્તારમાં સિંચાઈ ધરાવતા પાક માટે પ્રીમિયમની ટોચમર્યાદા 30 ટકા નક્કી કરવાની દરખાસ્ત છે.
કૃષિ મંત્રાલયે પાક વીમા યોજનાનો લાભ કૃષિ ધિરાણ મેળવતા ખેડૂતો સહિત તમામ ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવાનું પણ સૂચવ્યું છે. પાકના નુકસાનની ગણતરી માટે ઉપજની આકારણી બે તબક્કામાં કરવાની દરખાસ્ત મૂકી છે. પહેલા તબક્કામાં હવામાન અને અન્ય માપદંડોને આધારે નુકસાનનો અંદાજ તેમજ બીજા તબક્કામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્રોપ કટિંગ એક્સ્પરિમેન્ટ્સ (સીસીઈ)ને આધારે નુકસાનનો અંદાજ બાંધવો. ઉપરાંત, સીસીઈ માટે સ્માર્ટ સેમ્પલિંગ અને ઓપ્ટિમાઈઝેશન અપનાવવા તેમજ તમામ મુખ્ય પાકો માટે ટેકનોલોજી દ્વારા ઉપજના સીધા અંદાજની પદ્ધતિ અપનાવવાનું પણ સૂચવાયું છે.
સબસિડી માટે રાજ્ય સરકારો દ્વારા ચૂકવાતા હિસ્સામાં થતો વિલંબ ટાળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને થતી સબસિડીની ટ્રાન્સફરમાં દંડાત્મક કપાત અમલી બનાવવાનું સૂચન કરાયું છે. યોજનાના અમલમાં વિલંબ થાય નહીં તે માટે ટેન્ડરિંગની અવારનવાર થતી પ્રક્રિયા અટકાવવા રાજ્યોએ વીમા કંપનીઓને ફરજિયાત ત્રણ વર્ષનું કામ સોંપવાની દરખાસ્ત મુકાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer