નવી પદ્ધતિ વડે વરસાદની આગાહી બાવન દિવસ અગાઉ સંભવ

નવી પદ્ધતિ વડે વરસાદની આગાહી બાવન દિવસ અગાઉ સંભવ
 ખેડૂતોને વાવેતરનું આગોતરું આયોજન કરવા માટે મદદગાર સાબિત થશે
ચેન્નાઈ, તા. 16 જુલાઈ
વરસાદનો વરતારો મુશ્કેલ હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોને એક ચાવી જડી છે. આ કીમિયાથી ચોમાસાનો વધુ સચોટ વરતારો સંભવ બનશે. વરસાદ ક્યારે આવશે તેની આગોતરી જાણ ખેડૂતો માટે વાવેતરની તૈયારી માટે મહત્ત્વની છે. પરંપરાગત રીતે, વિસ્તૃત આગાહીઓ માટે વરસાદના ઐતિહાસિક આંકડાનો ઉપયોગ થાય છે, જે અત્યંત સચોટ હોતા નથી. તાપમાન, ભેજ અને વરસાદનું આગમન જેવા હવામાનની આગાહીનાં ધોરણો ફક્ત થોડા દિવસ અગાઉ જ ઉપયોગી બને છે. એટલે, ખેડૂતોને વાવેતરની આગોતરી તૈયાર કરવા માટે એની ખાસ મદદ મળતી નથી.
બેલ્જિયમ ન્યૂ ક્લિયર રિસર્ચ સેન્ટરના સંશોધક લુક્રેઝિયા ટેરઝીએ ચોમાસાની આગામી માટે નવો કીમિયો શોધ્યો છે. તેઓ હવામાં બેરિલિયમ-7નું કેટલું પ્રમાણ છે તે માપીને વરસાદની આગાહી કરે છે. કોમ્પ્રિહેન્સિવ ન્યૂ ક્લિયર-ટેસ્ટ-બેન ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (સીટીબીટીઓ) દ્વારા વિયેનામાં યોજાયેલી સાયન્સ અને ટેકનોલોજીની પરિષદમાં આ સંશોધનની રજૂઆત કરતાં લુક્રેઝિયાએ જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે આ પદ્ધતિ દ્વારા ભારતના ચોમાસા વિશે પ્રયોગ કર્યો હતો અને તેઓ લગભગ બે મહિના અગાઉ ચોક્કસ આગાહી કરવામાં સફળ થયા હતા.
ટેકનોલોજી અને વ્યવસ્થાતંત્ર પરમાણુ ધડાકાનો ઉપયોગ વરસાદની આગાહી જેવા અન્ય કામ માટે કેવી રીતે કરી શકાય તેની ચર્ચા માટે સીટીબીટીઓએ આ પરિષદનું આયોજન કર્યું હતું. ઓર્ગેનાઈઝેશન આશરે 300 સ્ટેશનોની ઈન્ટરનેશનલ મોનિટરિંગ સિસ્ટમ (આઈએમએસ)નું સંચાલન કરે છે, જે વાયબ્રેશન્સ પારખી શકે છે, અવાજો સાંભળી શકે છે અને ઝેનોન, ક્રિપ્ટોન જેવા ગેસ તેમ જ બેરિલિયમ-7 જેવા રેડિયન્યુક્લાઈડ્સની જાણકારી મેળવી શકે છે. જો કોઈ દેશ પાણીની નીચે કે જમીનની નીચે કે પછી વાતાવરણમાં ગુપ્ત રીતે ન્યૂ ક્લિયર ધડાકો કરે તો આઈએમએસને ગણતરીની મિનિટોમાં તેની જાણકારી મળી જાય છે.
લુક્રેઝિયાએ રશિયાના દુબ્ના તેમ જ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલાં આઈએમએસ સ્ટેશનોનો ઉપયોગ કરીને બેરિલિયમના આઈસોટોપ્સ જાતના ઘટક બેરિલિયમ-7ને માપ્યું હતું. તેમણે આ ઘટકની પસંદગી એટલા માટે કરી હતી કેમકે બ્રહ્માંડનાં કિરણો નાઈટ્રોજન અને ઓક્સિજનના કેન્દ્રને છેદે છે, ત્યારે જ ઉર્ધ્વમંડળમાં બેરિલિયમ-7 પેદા થાય છે. સૂર્ય સમુદ્રોને અલગ પદ્ધતિએ અને ભિન્ન અક્ષાંસ ઉપર તેમ જ પૃથ્વીના પરિભ્રમણને આધારે ઉષ્માવાન બનાવતો હોવાથી પાણીનો હિસ્સો ધરાવતી હવા ઊંચે ચઢે છે અને વર્તુળાકારે વરસાદરૂપે નીચે આવે છે. જ્યારે હવા ઉર્ધ્વમંડળ (પૃથ્વીની સપાટીથી 33,000 ફૂટ ઊંચે)થી નીચેની તરફ વહે છે, ત્યારે સાથે બેરિલિયમ - 7 લેતી આવે છે. લુક્રેઝિયા માને છે કે બેરિલિયમ-7ની માત્રા અને વરસાદને મજબૂત સંબંધ છે.
તેઓ જણાવે છે કે તેમણે શોધેલી પદ્ધતિ દ્વારા ભારતીય ચોમાસાનો વરતારો બાવન દિવસ અગાઉ સંભવ છે, જેમાં ત્રણેક દિવસ આગળ-પાછળ હોઈ શકે છે. હાલની પદ્ધતિ દ્વારા ફક્ત ત્રણ અઠવાડિયાં પહેલાં જ વરસાદની જાણકારી મળી શકે છે, ઉપરાંત તેમાં આગળ-પાછળની સંભાવના પાંચ દિવસની છે.
લુક્રેઝિયા કહે છે કે બેરિલિયમ-7ની પદ્ધતિની આકર્ષક બાબત એ છે કે તે અત્યંત સરળ છે. જોકે તેમણે હજુ ભારત સરકાર સમક્ષ આ પદ્ધતિની રજૂઆત કરી નથી. સીટીબીટીઓ સાથે કામ કરી રહેલા નિષ્ણાત માર્ટિન કાલિનોવ્સ્કીએ લુક્રેઝિયા સાથે મળીને લખેલા એક લેખમાં આ નવતર પદ્ધતિને વૈજ્ઞાનિક માન્યતા મળે તે પહેલાં તેના વિશે વધુ સંશોધનની જરૂર હોવાનું જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer