પસંદગીના શૅરોમાં લેવાલીએ નિફ્ટી 74 પૉઇન્ટ વધ્યો

પસંદગીના શૅરોમાં લેવાલીએ નિફ્ટી 74 પૉઇન્ટ વધ્યો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 16 જુલાઈ
જપાન સિવાય વૈશ્વિક શૅરબજારમાં ટકેલાથી સુધરેલું વલણ અને સ્થાનિકમાં નીચા ભાવે ચુનંદા શૅરની ખરીદીથી નિફ્ટી 74 પૉઇન્ટ વધીને 11662.60 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ સતત બીજા દિવસે સુધારો દર્શાવી વધુ 234 પૉઇન્ટ ઊંચે 39131 મુકાયો હતો. નિફ્ટીના મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો પૈકી આઈટી અને મીડિયા સિવાય તમામ ઇન્ડેક્સ વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 99 પૉઇન્ટ અને સ્મોલકેપ 37 પૉઇન્ટ વધ્યા હતા. નિફ્ટી પીએસયુ, એફએમસીજી અને રિયાલ્ટી 1થી 2 ટકા સુધી વધ્યા હતા. વ્યક્તિગત શૅરમાં આરઈસી 3 ટકા વધ્યો હતો.
ક્રૂડતેલમાં 66 ડૉલરની સપાટી અને સ્થાનિકમાં કૉર્પોરેટ કમાણી મિશ્ર રહેવાના સંકેતથી બજારમાં સળંગ મોટી તેજીની સંભાવના નથી. નિફ્ટીમાં 11700 અને 11810નો મુખ્ય પ્રતિકાર ઝોન મહત્ત્વનો ગણાય તેમ બજારના અનુભવીઓનું 
માનવું છે.
દરમિયાન, આજે બજારના સુધારામાં અગ્રણી યસ બૅન્ક રૂા. 11, એચયુએલ રૂા. 27, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 17, એસબીઆઈ રૂા. 4, સનફાર્મા રૂા. 10, ટિસ્કો રૂા. 8, એલઍન્ડટી રૂા. 21, અને ડૉ. રેડ્ડીસ રૂા. 49 વધ્યા હતા.
જ્યારે ઘટાડામાં કોટક બૅન્ક રૂા. 7, એમઍન્ડએમ રૂા. 9, બ્રિટાનિયા રૂા. 26, ટીસીએસ રૂા. 39, એચસીએલ રૂા. 8 ઘટયા હતા.
સ્થાનિક શૅરબજારમાં સટ્ટાકીય હેજિંગ ધરાવનાર વિદેશી અને સ્થાનિક ખેલાડીઓની લે-વેચ વધવા સાથે છૂટક રોકાણકારોની સામેલગીરી પ્રમાણમાં ઘટતી ગઈ છે. તેથી આવનારા સમયમાં ફંડામેન્ટલી મજબૂત ચુનંદા શૅરોની નીચા ભાવે તબક્કાવાર ખરીદી લાંબા ગાળા માટે કરી શકાશે એમ અનુભવીઓ જણાવે છે. જોકે, વૈશ્વિક ઘટનાઓની અસરને ધ્યાને લઈને લાંબું વિચારીને રોકાણ કરવું.
એશિયાનાં બજારોમાં મિશ્ર વલણ આજે ચીનના પ્રોત્સાહક આંકડા સામે ક્રૂડતેલ 66 ડૉલરે મજબૂત રહેવાથી શાંઘાઈ ઇન્ડેક્સ 4 પૉઇન્ટ દબાયો હતો. જોકે, હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 65 પૉઇન્ટ સુધરવા સામે જપાન ખાતે નિક્કી 150 પૉઇન્ટ ઘટયો હતો. દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી 10 પૉઇન્ટ વધ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer