=કરિયાણા અને શાકભાજી-ફ્રુટના વેપારીઓ - ગ્રાહકોના જોડતો

=કરિયાણા અને શાકભાજી-ફ્રુટના વેપારીઓ - ગ્રાહકોના જોડતો
રિલાયન્સ જિઓનો માસ્ટર પ્લાન
મુંબઈ, તા.16 જુલાઈ
ઈ-કોમર્સમાં પ્રવેશી રહેલી કંપની રિલાયન્સ જિઓ કરિયાણા, ફળ અને શાકભાજીના વેપારીઓ માટે `બીટુબી' પ્લેટફોર્મ બનાવી રહી છે. `હાઈબ્રિડ-ટુ-ઓફલાઈન' તરીકે ઓળખાનારા આ પ્લેટફોર્મને બીજા તબક્કામાં બીટુબી પ્લેટફોર્મને માયજિઓ ઍપની સાથે જોડવામાં આવશે અને તે પ્લેટફોર્મ છેવટે દુકાનદારને તેના ગ્રાહકોની સાથે જોડશે. સૂત્રોએ કહ્યું કે, બીટુબી પ્લેટફોર્મ માટે એક ઍપ ડેવલપ કરવામાં આવશે, આ માટે વેપારીઓએ જિઓ પ્રાઈમના સભ્ય બનવું પડશે. સભ્ય બન્યા પછી તેઓ એપ મારફતે ગ્રોસરી, ફળો અને શાકભાજીના ઓર્ડર મેળવી શકશે. 
જિઓ પ્રાઈમમાં દુકાનદારોને સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સની સરખામણીએ ઓછા ભાવે પ્રોડકટ્સ ઉપરાંત કેશબૅક જેવી અન્ય ઓફર્સનો પણ લાભ મળશે. આનો હેતુ એ છે કે અસંગઠિત દુકાનદારો સંગઠિત રિટેલર્સને ટક્કર આપી શકે. સૂત્રોએ કહ્યું કે, કરિયાણાના વેપારીઓના પોતાના ગ્રાહકો સાથે સારો ઘરોબો હોય છે, પરંતુ ભાવ બાબતે તેઓ સ્પર્ધા કરી નહીં શકતા હોવાથી જિઓ પ્રાઈમ પ્લેટફોર્મ તેમને આ માટેની તક આપશે. જે વેપારી જિઓના પ્લેટફોર્મમાં જોડાય તેને જિઓ મોબાઈલના ગ્રાહકોના સંપર્કો મળશે અને તેમને વેપારીઓ પોતાની દુકાનોની વિગતો અને ઓફર્સ મોકલી શકશે. 
આ પ્લેટફોર્મ વેપારીઓને સંપૂર્ણ ઈનવેન્ટરી મેનેજમેન્ટ, જીએસટી માટે સોફ્ટવેર ટૂલ વગેરે પરવડી શકે તેવા દરે પૂરા પાડશે, જેથી વેપારી પોતાની મૂડીનો બહેતર ઉપયોગ કરી શકે. તેઓ પ્રમોશનલ પ્રોગ્રામ જેવા કે લોયલ્ટી કૂપન્સ, ડિસ્કાઉન્ટ કૂપન્સ વગેરે પણ શરૂ કરી શકશે, જે હાલ મોટા સંગઠિત રિટેલ ક્ષેત્ર અત્યારે આ રીતે પોતાનું વેચાણ વધારી રહ્યા છે. 
પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ મુંબઈ, પુણે, કોલકાતા અને અમદાવાદમાં ચાલી રહ્યા છે. બીટુબી પ્લેટફોર્મ સંપૂર્ણ તૈયાર થયા બાદ રિલાયન્સ જિઓ તેના બીજા તબક્કામાં બીટુસી મોડેલ ઉપર ધ્યાન આપશે. માયજિઓ ઍપ ગ્રાહકોને ઉપલબ્ધ હોવાથી તેઓ તેમના વેપારીને ઓર્ડર આપી શકશે. 
સૂત્રોએ કહ્યું કે, ગ્રાહકો નજીકની કોઈ પણ કરિયાણાની દુકાનમાંથી ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રોડકટ્સની ડિલિવરી મેળવી શકશે. ગ્રાહકો એવી પ્રોડકટ્સનો પણ ઓર્ડર આપી શકશે જે તે સમયે સંબંધિત દુકાનમાં ઉપલબ્ધ ન હોય. આ પ્રોડક્ટની ડિલિવરી ગ્રાહકને બીજા દિવસે મળશે. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જુલાઈની વાર્ષિક સભામાં અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ ઈ-કોમર્સમાં પ્રવેશ કરીને ઓનલાઈન-ટુ-ઓફલાઈન મોડેલ સ્થાપશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer