બૅન્કોએ જરઝવેરાત ઉદ્યોગને અપાતાં ધિરાણમાં મોટો કાપ મૂક્યો

બૅન્કોએ જરઝવેરાત ઉદ્યોગને અપાતાં ધિરાણમાં મોટો કાપ મૂક્યો
ધિરાણપ્રવાહ સરળ બનાવવા ઉદ્યોગની માગણી
એજન્સીસ
મુંબઈ, તા. 16 જુલાઈ
એક્સિસ બૅન્ક અને યસ બૅન્ક જેવા મોટા ધિરાણકર્તાઓએ જરઝવેરાત ઉદ્યોગને અપાતું ધિરાણ મોટા પાયે ઘટાડી નાખ્યું છે. આથી વીતેલા વર્ષે આઉટસ્ટેન્ડિંગ એડવાન્સમાં 6 ટકાનો ઘટાડો જોવાયો હતો. ઝવેરાત ક્ષેત્રને 24 મે, 2019 સુધીમાં બૅન્કિંગ ધિરાણ રૂા. 4400 કરોડ ઘટી રૂા. 65,700 કરોડ રહ્યું હતું.
મોટા ખેલાડીઓ દ્વારા થતા કૌભાંડના કારણે અનેક બૅન્કોએ ઝવેરાત ઉદ્યોગનું ધિરાણ ઘટાડી નાખ્યું છે. આ સામે રિટેલ જ્વેલર્સોએ ધિરાણ મેળવવા 100 ટકા જામીનગીરી પૂરી પાડી હતી, એમ સેન્કો ગોલ્ડના સીએમડી શંકર સેને જણાવ્યું હતું. જેમના દેશભરમાં 104 સ્ટોર્સ છે.
કેટલીક જાહેર ક્ષેત્રની બૅન્કો અને ખાનગી ધિરાણકર્તામાં પણ નવું ધિરાણ આપતાં નથી અને જરઝવેરાત ક્ષેત્રને અપાયેલા વર્તમાન ધિરાણમાં પણ કાપ મૂકી રહ્યા છે.
યસ બૅન્કનું એક્સ્પોઝર ડિસેમ્બર, 2018માં જે 1.3 ટકાનું હતું તે ઘટી માર્ચ, 2019માં 1.2 ટકાનું રહ્યું હતું. અનંતા પદ્મનાભને આ ધિરાણ ઘટાડા માટે ગત વર્ષના ફેબ્રુઆરીમાં સપાટી પર આવેલા પીએનબી કૌભાંડને જવાબદાર ગણાવ્યું હતું. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ પીએનબીને 2 અબજ ડૉલરમાં નવડાવી નાખી હતી.
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી) તા. 5 જુલાઈના બજેટ બાદ નાણામંત્રાલયને મળી ઉદ્યોગની સમસ્યાઓ જણાવશે અને ધિરાણપ્રવાહ સરળ બનાવવા સરકારની મદદ માગશે.શંકર સેને જણાવ્યું હતું કે અમુક ગણ્યાગાંઠયા લોકોના કારણે સમગ્ર ક્ષેત્રને સજા આપવાનું યોગ્ય નથી. બૅન્કોએ સમગ્ર ક્ષેત્રની વિચારણા કરવાના બદલે કેસ-બાય-કેસ ધોરણે કંપનીઓની ચકાસણી કરવી જોઈએ.
જીજેસીએ સૂચન કર્યું છે કે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ હેઠળ ગોલ્ડ ડિપોઝિટ માટેના કલેકશન પૉઈન્ટ તરીકે જ્વેલર્સોને છૂટ આપવી જોઈએ. જીએમએસ હેઠળ ઊભા થયેલા સોનાનો ઉપયોગ બૅન્કો તરફથી મળેલી મેટલ લોન તરીકે જ્વેલર્સોએ કરવો જોઈએ. આની ચકાસણી બૅન્કોએ કરવી જોઈએ. ગ્રાહકોને ચૂકવવાપાત્ર વ્યાજ અને મૂળ રકમ સોનાના સ્વરૂપે ચૂકવવી જોઈએ. મેટલ લોન પરના વ્યાજની કમાણી બૅન્કોએ કરવી જોઈએ. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમથી ઘરગથ્થુ સોનાને બહાર કાઢી સિસ્ટમમાં લાવવામાં મદદ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer