ઉકાઇ ડેમ હજી 90 ટકા ખાલી

ઉકાઇ ડેમ હજી 90 ટકા ખાલી
દક્ષિણ ગુજરાતની જીવાદેરી સમાન
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 16 જુલાઈ
દક્ષિણ ગુજરાતની જીવાદારી સમાન ગણાતો ઉકાઇ ડેમ જુલાઇ મહિનો અડધો પૂરો થઇ ગયો છતાં 90 ટકા ખાલી છે. ડેમની કંગાળ સ્થિતિને પગલે ખેડૂતો અને સુરતીઓ પર જળસંકટનાં વાદળો છવાયાં છે. મેઘરાજા રિસાતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.ઉકાઇ ડેમમાં ગત જૂન મહિનામાં કુલ 884 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો સંગ્રહ થયો હતો. જુલાઇ મહિનામાં આજદિન સુધીમાં ડેમમાં કુલ 949 એમસીએમ પાણી છે. એટલે કે ડેમમાં હાલ આશરે 10 ટકા લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 7414 એમસીએમ છે. ડેમ સંગ્રહ ક્ષમતા કરતાં આશરે 90 ટકા જેટલો ખાલી છે. ગયા વર્ષે પણ ચોમાસું નબળું રહેતાં ડેમમાં પાણીની જોઇએ તેવી આવક થઇ નથી. 
ચાલુ વર્ષે વરસાદની મોસમ શરૂ થયાને દોઢ મહિનો પસાર થઇ ચૂકયો છે. જુલાઇ મહિનો પણ અડધો પૂરો થઇ ગયો છતાં ઉપરવાસમાં હજી સુધી સાડા 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઇ ડેમમાં પાણી રૂલ લેવલ 321 ફૂટ હોવું જોઇએ પણ હાલ 278 ફૂટની સપાટીએ સ્થિર છે. ડેમમાં 43  ફૂટ પાણી ઓછું હોવાના કારણે સુરત મનપા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આગામી 10 દિવસમાં વરસાદ ન પડે તો સુરત શહેરને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો  કરવો પડે તેવું નકારી શકાય નહીં. ઉકાઇ ડેમમાં પાણીની સ્થિતિ જોતાં મનપા તંત્રએ ઉનાળામાં 10 ટકા પાણીનો કાપ મૂકયો હતો. તે ચોમાસામાં પણ યથાવત્ રાખ્યો છે. કાકરાપાર ડેમ ઓવરફલો થતાં ડેમનું પાણી નદીમાં આવે છે. તાપી નદીમાં પાણી આવતાં સુરત મહાનગરપાલિકાને અને અન્ય પુરવઠા બોર્ડની યોજનાને પણ કાકરાપારનું પાણી મળી રહ્યું હોવાથી હાલપૂરતી થોડી રાહત છે. 
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં  હવે લોકો વરસાદની આતુરતાથી રાહ જુએ છે. જો હવે વરસાદ ન આવે તો ડેમની સ્થિતિ વધુ કંગાળ બનશે. ડેમમાં જો હવે રૂલ લેવલ જેટલું પણ પાણીની આવક ન થઇ તો આવતા વર્ષે પીવાનાં અને સિંચાઇનાં પાણી માટે સંકટ ઊભું થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer