ઍર ઇન્ડિયાના વેચાણની દિશામાં પહેલું કદમ

ઍર ઇન્ડિયાના વેચાણની દિશામાં પહેલું કદમ
અૉગસ્ટ અંત સુધીમાં ઇરાદાપત્રો મગાવવાની વિચારણા
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 16 જુલાઈ
ઍર ઇન્ડિયા લિ.ના વેચાણનો સોદો આ વર્ષે પાર પાડવાના હેતુસર સરકાર આવતા મહિનાની આખર સુધીમાં ઇરાદાપત્ર મગાવવાનું ગંભીરતાથી વિચારી રહી છે.
તે પહેલાં સરકાર રોડ શો યોજવા અને સંબંધિત ગ્રાહકોને મળવા તૈયાર રહેશે. બીડરને ઍરલાઇન્સની અમુક ગુપ્ત માહિતી સિવાયના હિસાબો જોવાની છૂટ અપાશે અને તે શૅર પરચેઝ એગ્રીમેન્ટ પણ જોઈ શકશે.
નાણાં ખાતાના પ્રવક્તા ડી. એસ. મલિકે જણાવ્યું હતું કે સંભવિત બીડર ઇરાદાપત્રની પ્રક્રિયા દરમિયાન સેલ્સ ટર્મમાં ફેરફારો સૂચવી શકશે.
ગત વર્ષે ઍરલાઇન્સના આંશિક વેચાણ માટે કોઈ બીડર મળ્યો નહોતો. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકાર સંચાલિત કંપનીઓમાંનો હિસ્સો વેચી સરકાર રૂા. 1.05 લાખ કરોડ (15.3 અબજ ડૉલર) એકત્ર કરવા માગે છે. આમાં ઍર ઇન્ડિયાના વેચાણનો અને ડિસઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.
ઍર ઇન્ડિયા પર કુલ દેવું 8.4 અબજ ડૉલરનું છે અને ગત વર્ષે તેણે રૂા. 76 અબજથી વધારેની ખોટ દર્શાવી હતી.
ઍર ઇન્ડિયા અત્યારે કરદાતાઓ તરફથી સરકારને જમા થયેલા રૂા. 30 હજાર કરોડના ફન્ડ ઉપર ચાલી રહી છે. તે પોતાનું ઍરલાઇન માર્કેટ ઉપરનું પ્રભુત્વ ગુમાવી ચૂકી છે. તેમની સામે હરીફાઈમાં ઇન્ટરગ્લોબ એવિયેશન લિ. અને સ્પાઇસજેટ લિ.એ સસ્તી અને સમયસરની ફ્લાઇટો શરૂ કરી ભારે હરીફાઈ ઊભી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer