ગુજરાતમાં ટુ વ્હીલરની નોંધણીમાં 20 ટકાનું ગાબડું

ઉંચા નોંધણી ચાર્જ, તોતિંગ વીમા પ્રિમિયમ અને ચોમાસાના મોડા આગમનથી વાહનોનાં વેચાણને ફટકો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 અૉગ.
કાર અને ટુ વ્હીલરનું વેચાણ દેશભરમાં ગબડી પડયું છે ત્યારે ગુજરાતનેય ફટકો પડયો છે. દેશભરમાં જાન્યુઆરીથી જુલાઇ 2019 દરમિયાન વાહનોની નોંધણી 4.4 ટકા ઘટી ગઇ છે. એની સામે ગુજરાતમાં 18.5 ટકા જેટલી નોંધપાત્ર તૂટી ગઇ છે.
ટુ વ્હીલરનું વેચાણ ગુજરાતમાં 20.78 ટકા જેટલું ઘટીને ફક્ત 6.1 લાખ યુનિટ આ ગાળામાં રહ્યું હતું. 2018માં 7.7 લાખ ટુ વ્હીલરો નોંધાયાં હતાં. ટુ વ્હીલર અને કારની નોંધણીમાં 18.5 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો દાયકામાં સૌથી વધારે છે.
અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં ટુ વ્હીલરની નોંધણી અનુક્રમે 20.5 ટકા અને 24.5 ટકા ઘટી ગઇ છે. ઓટોમોબાઇલ ડીલરો કહે છે, ગ્રાહકોની માગ જ સાવ ઘટી ગઇ છે. બજારમાં રોકડની તરલતાની અછત છે એ નડી રહી છે. સરકારે વાહનોની નોંધણી ફીમાં તોતિંગ વધારો કરી નાખ્યો છે. એ ઉપરાંત વીમા કંપનીઓએ પણ પ્રીમિયમમાં જબ્બર વધારો કરી નાખતાં વાહનોનાં વેચાણને ફટકો પડયો છે. હવે નવા નિયમ પ્રમાણે પાંચ વર્ષનો વીમો ફરજિયાત છે એ કારણે ખરીદવા ઇચ્છનારા વર્ગને વાહનો મોંઘા પડી રહ્યાં છે.
કાર માર્કેટની સ્થિતિ પણ સારી નથી. ગુજરાતમાં કારની નોંધણી 17.1 ટકા ઘટી છે. 2018માં 1.93 લાખ કાર નોંધાઇ હતી તે જાન્યુઆરીથી જુલાઇમાં હજુ સુધી 1.6 લાખ જ નોંધાઇ છે. ગામડાંઓમાંથી થતી ખરીદીને વધુ માઠી અસર ચોમાસાની નબળી શરૂઆતને લીધે પડી છે. અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં કારની નોંધણી આશરે 14.5 ટકા જેટલી ઘટી ગઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer