અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 અૉગ.
દુનિયાની આર્થિક વિકાસની ચિંતામાં સોનાનો ભાવ રોજબરોજ વધી રહ્યો છે. છ વર્ષની ઊંચી સપાટી વટાવીને મંગળવારે ન્યૂ યોર્કમાં સોનું 1533 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે રનિંગ હતું. આર્જેન્ટિનામાં સંકટ અને હૉંગકૉંગમાં રાજકીય વાતાવરણ બગડવાથી મંદીનાં કારણો ઉમેરાતાં જાય છે. પહેલાય ટ્રેડવોરનું કારણ હતું જ એમાં ઘટતા વ્યાજદરો આવ્યા અને હવે વિવિધ દેશોમાંથી ભયજનક સંકેતો આવી રહ્યા છે એટલે સોનું ઊંચકાઇ રહ્યું હોવાનું કરન્સી સ્ટ્રેટેજિસ્ટ કંપની ડેઇલી એફએક્સના ઇલ્યા સ્પીવાકે
કહ્યું હતુ.
તેમણે કહ્યું કે, ભારત સિવાયના અન્ય દેશોમાં વ્યાજદરો પહેલેથી જ ઘણા નીચા છે ત્યારે હવે મધ્યસ્થ બૅન્કો પાસે વ્યાજકાપ માટે ખાસ જગ્યા બની નથી એટલે અર્થતંત્રોમાં મંદીનો ભય વધતો જાય છે. ચીન માટે એક પ્રત્યાર્પણ બિલના વિરોધમાં હૉંગકૉંગમાં પ્રદર્શનકારીઓ સક્રિય થયા છે. દુનિયાનું સૌથી વધુ વ્યસ્ત ગણાતું હૉંગકૉંગ કાર્ગો એરપોર્ટ ગઇકાલે બંધ કરાવવામાં તેઓ સફળ રહ્યા હતા. બીજી તરફ આર્જેન્ટિનામાં માર્કેટ ફ્રેન્ડલી ગણાતા પ્રમુખ મૌરીસીયો મેક્રીએ પ્રમુખપદની પ્રાયમરી ચૂંટણીમાં મોટાં માર્જિનથી સત્તા ગુમાવી છે એટલેય સોનામાં રોકાણ વધ્યું છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા.200ની તેજીમાં નવી રૂા. 37,200ની ઉંચાઇ ઉપર પહોંચ્યો હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 17.43 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 500ની તેજીમાં રૂા. 42,500 હતી. મુંબઇમાં બે દિવસ બંધ રહ્યા પછી બુલિયનના ભાવમાં તેજ ઉછાળો હતો. સોનું રૂા. 602 વધી રૂા. 37,948 અને ચાંદી રૂા. 1205 ઊંચકાઇને રૂા. 44,280 હતી.