રિલાયન્સ રિટેલ નવું પ્લેટફોર્મ શરૂ કરશે

નાના વેપારીઓને ટેકનૉલૉજી સજ્જ કરવા
મુંબઈ, તા.13 અૉગ.
રિલાયન્સ રિટેલ વિશ્વમાં ટોચના 20 રિટેલર્સમાં સ્થાન મેળવવા માટે નવું પ્લેટફોર્મ શરૂ કરશે, એમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું. પ્રાયોગિક ધોરણે શરૂ કરેલા આ પ્લેટફોર્મ (બીટા)માં હજારો વેપારીઓ જોડાયા છે અને તેમનું વેચાણ નોંધપાત્ર વધ્યું છે. શૅરહોલ્ડર્સની વાર્ષિક સભાને સોમવારે સંબોધતાં અંબાણીએ કહ્યું કે, હવે કંપની આ પ્લેટફોર્મને મોટા પાયે લોન્ચ કરશે.
ન્યૂ કોમર્સ પ્લેટફોર્મની ક્ષમતા 700 અબજ ડૉલર સુધીના નવા બિઝનેસ મેળવી આપવાની છે. તેનો મુખ્ય હેતુ અસંગઠિત વેપારીઓને જોડવાનો છે. અસંગઠિત વેપારીઓ દેશમાં 90 ટકા છે. ત્રણ કરોડ જેટલા કરિયાણાના દુકાનદારો અને વેપારીઓ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે 20 કરોડ લોકોને રોજગાર પૂરો પાડે છે. પરંતુ તેઓ ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પૂરતું રોકાણ નહીં કરતા હોવાથી વિકાસ રૂંધાય છે, એમ અંબાણીએ કહ્યું હતું. 
રિલાયન્સની યોજના અંતર્ગત કંપની નાના વેપારીઓને ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ આઈઓટી, એઆઈ અને અન્ય ટેકનોલોજીની એક બ્લોકચેઈન બનાવવાની છે. આ માટે તેણે માઈક્રોસોફ્ટની સાથે સહયોગ કર્યો છે. રિલાયન્સ ટોચના શિક્ષણ, મનોરંજન અને ગેમિંગ ક્ષેત્રના રિટેલ ગ્રાહકોને કન્ટેન્ટ પૂરું પાડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer