ગુજરાતના હૉટેલિયરો કાશ્મીરમાં રોકાણ કરવા ઉત્સુક

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 13 અૉગ.
જમ્મુ-કાશ્મીરમાંથી 370મી કલમ દૂર થવાની સાથે  જાણે  નસીબ ખુલી ગયું હોય તેમ દેશના વિવિધ ભાગોમાંથી રોકાણ કરવા લોકોએ ઈચ્છા બતાવી છે. ગુજરાત પણ તેમાંથી પાછળ નથી. ગુજરાતમાંથી હોટેલ, ટુરિઝમ અને સહકારી ક્ષેત્ર જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવા માટે તત્પર છે.  
ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગકારો છે જે હોટેલ કારોબાર સાથે જોડાયેલા છે અને તેઓ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવા ઉત્સુક છે. ગુજરાતનું એક જૂથ દેશના કુલ 12 શહેરોમાં હોટેલ ધરાવે છે. તેના માલિક નામ ન આપવાની શરતે કહે છે કે `અમે શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં રૂપિયા 50 કરોડના ખર્ચે હોટેલ બનાવવા માગીએ છીએ. આ હોટેલ સંચાલકે તો ત્યાં સુધી કહ્યું કે જો જોઈન્ટ વેન્ચર કરવા માટે સ્થાનિક જમીનદાર તૈયાર થાય તો એક સાથે ત્રણ હોટેલ પણ ખોલીશું ! 
અમુલ પણ જમ્મુમાં એક મિલ્ક પ્લાન્ટ લગાવવાની તૈયારી દર્શાવી હોવાના સમાચાર ફેલાયા છે. જોકે, આ અંગે અમૂલના એમ.ડી. આર.એસ. સોઢીએ ઇન્કાર કરીને કહ્યું હતુ કે હાલ અમારો રોકાણ કરવાનો કોઈ ઈરાદો નથી. જોકે, સૂત્રોના કહેવા મુજબ જમ્મુ-કાશ્મીરના દૂધ મંડળો સાથે મળીને અમુલ એક નવું મોડેલ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે.  
ગુજરાતમાંથી દર વર્ષે હજારો યાત્રિકોને જમ્મુ-કાશ્મીર મોકલતા શક્તિ ટ્રાવેલ્સના એમ.ડી. મહેશભાઈ દુદકિયા જણાવે છે કે `જો ગુજરાતમાંથી કોઈ જમ્મુ-કાશ્મીરમાં હોટેલ ખોલે તો ટૂંકા ગાળામાં નફો કરતા થઈ જાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer