મલેશિયાની પામતેલની નિકાસમાં 34 ટકાનો ઉછાળો

મલેશિયાની પામતેલની નિકાસમાં 34 ટકાનો ઉછાળો
સૌથી મોટું ગ્રાહક બન્યું ભારત
કલ્પેશ શેઠ 
મુંબઇ તા : 13, અૉગ.
અૉગસ્ટ મહિનાના પ્રારંભથી જ મલેશિયાના પામ ઓઇલના નિકાસકારોબારમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. 1 લી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ -19 સુધીના આંકડા બોલે છે કે મલેશિયાની પામતેલની નિકાસમાં 34.7 ટકાનો માતબર વધારો જોવા મળ્યો છે. જેમાં ભારતનો હિસ્સો 170,060 ટનની આયાત સાથે અવ્વલ ક્રમાંકે રહ્યો છે. જો આયાત આવી જ રહેશે તો આગામી દિવસોમાં મલેશિયા ઇન્ડોનેશિયાને પાછળ રાખીને પ્રથમ સ્થાને આવી જશે. 
કાગો સર્વેયર કંપની ઇન્ટરટેક ટેસ્ટિંગ સર્વિસીઝ (આઇટીએસ)ના અહેવાલ પ્રમાણે  1લી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધીના ગાળામાં મલેશિયાએ કુલ 502,755 ટન પામતેલની નિકાસ કરી છે. જેમાંથી 170,060 ટનની આયાત સાથે ભારત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જ્યારે ચીને પણ 91,200 ટન પામતેલની આયાત કરી છે. બજારનાં વર્તુળોના જણાવ્યા પ્રમાણે યુરોપિયન યુનિયને 40,560 ટન પામતેલની આયાત કરી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે જુલાઇ-19માં મલેશિયાએ કુલ 373,330 ટન પામતેલની નિકાસ કરી હતી. જેમાં ભારતનો હિસ્સો 167,045 ટન, ચીનનો હિસ્સો 40,800 ટન તથા યુરોપિયન યુનિયનનો હિસ્સો 74,640 ટનનો હતો. 
વૈશ્વિક બજારમાં પામતેલના ભાવ જુલાઇ-19ના અંતે પામતેલના સ્ટોકમાં ઘટાડાની સંભાવના વચ્ચે ઉંચા મથાળે ટકેલા રહે તેવી ધારણા મુકાઇ હતી. જોકે રમજાન મહિનાની રજાઓ બાદ વૈશ્વિક બજારમાં કારીગરો કામે લાગ્યા હોવાથી હવે સ્ટોકમાં પણ વધારો થવાની સંભાવના છે. 
હાલના આંકડા બોલે છે કે વર્ષ-2019માં મલેશિયા ભારતને પામતેલ વેચનારા દેશોની યાદીમાં ટોચના સ્થાને રહેલા ઇન્ડોનેશિયાને બીજા સ્થાને ધકેલીને પ્રથમ સ્થાન હાંસલ કરી લેશે. એમ તો મલેશિયાથી રિફાઇન્ડ પામતેલની આયાત વધી છે. જેથી ભારતના રિફાઇનરોની સમસ્યા વધે છે.  સામાન્ય રીતે ભારતના રિફાયનરો ક્રૂડ પામ તેલની આયાત કરતા હોય છે. પણ હવે રિફાઇન્ડ તેલના શિપમેન્ટ શરૂ થતાં તેમને ઇન્વેન્ટરી ઘટવાની ચિંતા સતાવી રહી છે. ભારત એ વિશ્વનું ટોચના ક્રમનું પામતેલનું આયાતકાર રાષ્ટ્ર છે. વર્ષ-2019ના પ્રથમ છ મહિનામાં ભારતની પામતેલની આયાતમાં મલેશિયાનો હિસ્સો બાવન ટકા જેટલો ઉંચો રહ્યો હતો. જે વર્ષ-2018ના પ્રથમ છ મહિનામાં માંડ 30 ટકા જેટલો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer