એશિયન બજારની કટોકટીથી નિફ્ટી 184 પૉઇન્ટ ઘટાડે 10925.85

એશિયન બજારની કટોકટીથી નિફ્ટી 184 પૉઇન્ટ ઘટાડે 10925.85
મોટા ભાગનાં મુખ્ય શૅરોમાં સૂચક ઘટાડો : રિલાયન્સનો હાઈ જમ્પ   
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 13 અૉગ.
આર્જેન્ટિનાની ચલણ કટોકટી અને હૉંગકૉંગની રાજકીય કટોકટી સાથે ચીન-અમેરિકાના વેપાર સંઘર્ષના ઘેરા ઓછાયા હેઠળ એશિયાનાં બજારોમાં નવી નબળાઈ પ્રવેશી હતી. સ્થાનિક બજારમાં સાર્વત્રિત વેચવાલીથી તમામ ક્ષેત્રના મુખ્ય શૅરોમાં ભારે વેચવાલીને લીધે એનએસઈ ખાતે નિફ્ટી 184 પૉઇન્ટ ઘટાડે 10925.85 બંધ હતો. સેન્સેક્ષ ઇન્ટ્રાડે 844 પૉઇન્ટ ઘટયા બાદ સત્રના અંતે 624 પૉઇન્ટના ઘટાડે 36958 રહ્યો હતો. વાહન, આઈટી, નાણાકીય ક્ષેત્રના શૅરમાં ભારે વેચવાલીથી નિફ્ટીનો બૅન્કેક્સ 3 ટકા, વાહન ઇન્ડેક્સ 4 ટકા, ખાનગી બૅન્કેક્સ 3 ટકા અને આઈટી 2.5 ટકા ઘટયા હતા. વીઆઈએક્સ (વોલાટિલિટી) ઇન્ડેક્સ નોંધપાત્ર 13 પૉઇન્ટ ઊંચે મુકાયો હતો.
નિફ્ટી ઇન્ટ્રાડે ઊંચાઈએથી દિવસ દરમિયાન 244 પૉઇન્ટ ઘટયો હતો. ડૉલર સામે રૂપિયો ટ્રેડ દરમિયાન છ મહિનામાં પ્રથમવાર 71 ક્વૉટ થયો હતો. જોકે, રિલાયન્સના જંગી ઉછાળાથી તેના માર્કેટ કેપમાં રૂા. 89,381 કરોડનો ઉમેરો નોંધાયો છે.
સીઆરના જણાવ્યા પ્રમાણે જુલાઈ '19 દરમિયાન પેસેન્જર વાહનનું વેચાણ 31 ટકા ઘટયું હતું. ટૂંકમાં ફુગાવાના આંકડા જાહેર થવાના હોવાથી અને કેન્દ્ર સરકારે અપેક્ષિત પ્રોત્સાહન અંગે મૌન રાખતા બજારનો સેન્ટિમેન્ટ ખરડાયો હતો. જોકે, સઉદી અરેબિયાની આરમાકો સાથે રિલાયન્સના જંગી સોદાના અહેવાલથી શૅરનો ભાવ રૂા. 113 વધ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રૂા. 63 સુધર્યો હતો. સનફાર્મામાં રૂા. 16 વધ્યા હતા.
બીજી તરફ નિફ્ટીમાં ઘટનાર કુલ 44 શૅરમાં સૌથી વધુ મારુતિ રૂા. 284, મહિન્દ્રા રૂા. 33, એચયુએલ રૂા. 33, બ્રિટાનિયા રૂા. 76, આઈટીસી રૂા. 8, બજાજ ફાઇનાન્સ રૂા. 198, ટીસીએસ રૂા. 47, એચડીએફસી બૅન્ક રૂા. 62, કોટક રૂા. 21, એક્સિસ રૂા. 11, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 40, એચસીએલ ટેક રૂા. 17 અને યસ બૅન્કમાં રૂા. 8નો ઘટાડો મુખ્ય હતો. બીએસઈ ખાતે મિડકેપ ઇન્ડેક્સ 321 પૉઇન્ટ ઘટયો હતો. નિષ્ણાતોના અનુમાન પ્રમાણે માર્કેટ બ્રેડથ નકારાત્મક રહી છે.
એશિયાનાં બજારો
ક્રૂડતેલના ભાવમાં પુન: મજબૂતી આવી રહી છે. આર્જેન્ટિનાની ચલણ કટોકટી ગહેરાતા હૉંગકૉંગ ખાતે હેંગસેંગ ઇન્ડેક્સ 534 પૉઇન્ટ અને જપાન ખાતે નિક્કી 229 પૉઇન્ટ તૂટયો હતો. ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 18 પૉઇન્ટ નીચે હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer