જુલાઈ 2024 પહેલા કંપનીઓએ સીએસઆર ભંડોળ વાપરવું પડશે

જુલાઈ 2024 પહેલા કંપનીઓએ સીએસઆર ભંડોળ વાપરવું પડશે
નવી દિલ્હી, તા. 13 અૉગ.
કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) માટેનું ભંડોળ જુલાઈ 2024 સુધીમાં વાપરવાનું રહેશે એવી સરકારની આ સ્પષ્ટતાથી કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 
સંસદે ગયા મહિને કંપનીઝ ઍક્ટમાં ફેરફાર કર્યો હતો, આ અનુસાર જે કંપનીઓ સીએસઆર ભંડોળ નહીં વાપરે તો સરકારમાં જમા થશે. અમે આવું નહીં કરનારા કંપનીના એક્ઝિક્યુટિવને ત્રણ વર્ષની કેદ અને રૂા.50,000થી રૂા.5 લાખનો દંડ અથવા બંને થઈ શકે છે, જ્યારે પ્રમોટરને રૂા.50,000થી રૂા.25 લાખ સુધીનો દંડ થઈ શકે છે. 
કોર્પોરેટ બાબતના સચિવ ઈનજેટી શ્રીનિવાસે કહ્યું કે, સરકાર સીએસઆર ભંડોળનો ઉપયોગ વ્યવસ્થિતપણે કરવા માગે છે. સરકારનો વ્યૂહ સ્પષ્ટ છે. સરકાર વણવપરાયેલા ભંડોળનો ઉપયોગ નાણાકીય ખાધને પૂરવા માટે કરવા નથી માગતી. જો કંપની પોતે જ સીએસઆર ભંડોળ વાપરશે તો તે વધુ યોગ્ય હશે. કંપનીઓને આ માટે જુલાઈ 2024 સુધીનો સમય અપાયો છે. 
વપરાયા વિનાના સીએસઆર માટે એક મજબૂત સરકારી માળખું હશે. આ કોપર્સ ઉપર ઉદ્યોગના પ્રતિનિધિઓની નજર રહેશે. કાયદા મુજબ જે કંપનીઓની નેટવર્થ રૂા.500 કરોડ અથવા રૂા.500 કરોડની આવક અથવા ચોખ્ખો નફો રૂા.2 કરોડનો હોય તો કમસેકમ તેના બે ટકા નાણાંનો ઉપયોગ સામાજિક કાર્યો (ભણતર, આરોગ્ય, ગરીબી નાબૂદ કરવી, પર્યાવરણ જેવા ક્ષેત્રો) માટે કરવાની રહેશે. ઉદ્યોગના અંદાજે સીએસઆર માટે ખર્ચ વર્ષ 2014-15થી અત્યાર સુધીમાં રૂા.50,000 કરોડ કરવામાં આવ્યો છે, જ્યારે રૂા.30,000 કરોડ વપરાયા નથી. વાર્ષિક સીએસઆર ખર્ચ રૂા.15,000 કરોડની આસપાસ છે. 
શ્રીનિવાસે કહ્યું કે, કસૂરવારને દંડ કરવા માટેના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નિયમો છે અને જરૂર પડે ત્યારે કાયદાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે છે. સીએસઆરમાં નાણાં વપરાય નહીં એ એક ગંભીર ગુનો બને છે. નાણાકીય દંડની જોગવાઈ જરૂરી છે. સરકારે 5000 કંપનીઓને શો-કૉઝ (કારણ બતાવો) નોટિસ ફટકારી છે. 400 કેસમાં આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ આ કેસને ફોજદારી કેસ તરીકે નોંધવામાં આવ્યા નથી. આમાંથી 60 કેસની પતાવટ કમ્પાઉન્ડિંગ દ્વારા કરવામાં આવ્યા છે. અમૂક કેસમાં બે વર્ષ સુધીનો સમય આપવામાં આવ્યો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer