કાચા માલના ભાવ વધતા બ્રિટાનિયાના બ્રેડ, બિસ્કીટના ભાવ વધશે

કાચા માલના ભાવ વધતા બ્રિટાનિયાના બ્રેડ, બિસ્કીટના ભાવ વધશે
કોલકાતા, તા.13 અૉગ.
એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ બ્રેડ, બિસ્કીટના ભાવ વધારશે. મેનેજિંગ ડિરેક્ટર વરૂણ બેરીએ કહ્યું કે, કાચા માલના ભાવમાં વધારો થવાથી અને અમુક પ્રોડકટ્સ અથવા બજારની ભૌગોલિક સ્થિતિને કારણે ભાવ વધારો થશે. 
દૂધના ભાવ વધતા ગયા મહિને જ કંપનીએ તેના ચીઝ સહિતની પ્રોડકટ્સના ભાવમાં વધારો કર્યો હતો. કાચા માલનો ખર્ચ જૂન'19 ત્રિમાસિકમાં સાત ટકા વધીને રૂા.1368 કરોડ (રૂા.1271 કરોડ) થયો હતો. ખર્ચ વધવાથી ચોખ્ખો નફો પણ રૂા.258 કરોડથી ચાર ટકા ઘટીને રૂા.249 કરોડનો થયો હતો. જોકે, કોન્સોલિડેટેડ કાર્યકારી આવક છ ટકા વધીને રૂા.2700 કરોડ થઈ હતી. 
બેરીએ કહ્યું કે, ડેરી પ્રોડકટ્સમાં ભાવ વધારો કરવો જરૂરી હતો. બેકરીમાં ફુગાવો હજી વાજબી છે. આ મંદીનું વર્ષ હોવાથી ગ્રાહક સેન્ટિમેન્ટ વધુ બગાડવા માગતા નથી. અમુક પેક સાઈઝમાં ચારથી પાંચ ટકાનો વધારો કરીશું. આ માગ ઉપર અસર કરે નહીં તેનું ધ્યાન રાખીને ભાવ વધારો કરશું. આગામી છથી 15 મહિનામાં માગ વધે એવો કંપનીનો અંદાજ છે.
બેરીએ કહ્યું કે, મંદી છતાં જાહેરાત અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો નહીં થાય. કંપની આ મંદીમાં સ્પર્ધા વધુ ન હોય તેવી નવી કેટેગરી સ્થાપશે. 
ચેરમેન નસલી એન વાડિયાએ કહ્યું કે, બ્રિટાનિયા બ્રાન્ડ બિલ્ડિંગ ઉપર વધુ ધ્યાન આપશે. જાહેરાત અને વેચાણ પ્રમોશનમાં ખર્ચ નહીં ઘટાડવામાં આવે. બ્રિટાનિયા પોતાનો બજાર હિસ્સો વધારવા તત્પર છે. 
દેશના બિસ્કિટ બજારમાં વાડિયા ગ્રુપ કંપની રૂા.30,000 કરોડના બજાર હિસ્સા સાથે ત્રીજા ક્રમે આવે છે. બ્રિટાનિયા યોજના મુજબ કામ કરી રહી છે. કંપની વિદેશના બજારોમાં શક્યતાઓ તપાસી રહી છે. 
આ નાણાકીય વર્ષની શરૂઆતથી કંપની બાંગલાદેશમાં થર્ડ પાર્ટી (કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ) એગ્રિમેન્ટથી ઉત્પાદન શરૂ કર્યું છે. હવે કંપની આફ્રિકા અને અગ્નિ એશિયાના દેશોમાં વધુ શક્યતા તપાસી રહી છે. બ્રિટાનિયા હાલ 70 દેશોમાં પોતાની પ્રોડકટ્સની નિકાસ કરે છે. 
કંપની પૂર્વ અને ઉત્તર ભારતના બજારોમાં ઉત્પાદન અને વિતરણનું વિસ્તરણની ઘડી બનાવી રહી છે. બિહારમાં કંપનીનો બીજો પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. ઉપરાંત કંપની બંગાળમાં પ્લાન્ટ સ્થાપવાનું અથવા આસામના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના છે. 
બેરીએ કહ્યું કે, મૂડીખર્ચ રૂા.150 કરોડની આસપાસ હશે. જોકે, નિર્ણય એક વર્ષ પછી લેવામાં આવશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer