ઈમામી પેપરે ગુજરાતમાં રૂા.2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની યોજના માંડી વાળી

ઈમામી પેપરે ગુજરાતમાં રૂા.2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની યોજના માંડી વાળી
મૂલ્યવર્ધિત કાગળનું ઉત્પાદન વધારશે
કોલકાતા, તા.13 અૉગ.
ઈમામી પેપર મિલ્સ લિ.એ અર્થતંત્રમાં મંદી અને બૅન્કો દ્વારા ધિરાણના કડક નિયમોને કારણે ગુજરાતમાં રૂા.2,000 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ સ્થાપવાની યોજનાને માંડી વાળી છે. કંપની તેના બદલે પ્રીમિયમ કાગળના વેચાણ અને નિકાસ ઉપર ધ્યાન આપીને નફાશક્તિ વધારશે. 
પ્રસ્તાવિત ગુજરાત પ્લાન્ટના પહેલા તબક્કાનો ખર્ચ અંદાજે રૂા.1,000 કરોડનો હતો. બાકીનું રોકાણ બીજા તબક્કામાં કરવાનું હતું. વાર્ષિક 2.25 લાખ ટન મલ્ટિ લેયર કોટેડ પેકેજિંગ બોર્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સાથે 18 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના હતી. 
કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પી. એસ. પટવારીએ કહ્યું કે, અત્યારની મંદીમાં અને બૅન્કો દ્વારા મળનારા ધિરાણમાં અનિશ્ચિતતાને લઈ અમે ગુજરાત પ્રોજેક્ટને હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. કોલકાતાસ્થિત આ કંપની બીએસઈ અને એનએસઈ બંનેમાં લિસ્ટેડ છે. હાલમાં કંપનીના કોલકાતા (પશ્ચિમ બંગાળ) અને બાલાસોર (ઓડિસા)માં પ્લાન્ટ છે જેની સંયુક્ત ક્ષમતા 3.60 લાખ ટનની છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીનું ટર્નઓવર રૂા.1542 કરોડ અને ચોખ્ખો નફો રૂા.44 કરોડનો હતો. 
પટવારીએ વધુમાં કહ્યું કે, કંપની રાઈટિંગ અને પ્રિન્ટિંગ પેપર બનાવવા અને અન્ય મૂલ્યવર્ધિત લેમિનેટ પેપર બનાવવા ઉપર વધુ ધ્યાન આપશે. બાલાસોર એકમમાં ન્યૂઝપ્રિન્ટનું ઉત્પાદન ઘટાડવું પડશે. કંપનીએ ન્યૂઝપ્રિન્ટની ક્ષમતામાં 15000 ટનની ઉત્પાદન 50 ટકાનો ઘટાડો કર્યો છે. કંપની 80,000 ટનની ક્ષમતા સાથે ન્યુઝપ્રિન્ટ ઉત્પાદનમાં સૌથી મોટી ઉત્પાદક કંપની છે. આ રીતે કંપનીની ગ્રોસ નફા શક્તિ ગયા વર્ષની 17 ટકાથી વધીને આ વર્ષે 18-19 ટકાએ કરવાની ધારણા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer