રિલાયન્સ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં નવી શરૂઆત કરશે

રિલાયન્સ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં નવી શરૂઆત કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 અૉગ. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સભામાં શૅરહોલ્ડરોને સંબોધતાં ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે અન્ય ઉદ્યોગપતિઓ કરતાં અલગ વલણ લીધું હતું. ભારતના અર્થતંત્રની નબળી હાલત માટે ઘણાખરા ઉદ્યોપતિઓ સરકારને દોષ આપે છે જ્યારે મુકેશ અંબાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો હતો. 
આર્ટિકલ 370ને નાબૂદ કર્યા પછી મોદીએ ઉદ્યોગપતિઓને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવાનું ઇજન આપ્યું તેને ટેકો આપતાં અંબાણીએ શૅરહોલ્ડરોને સંબોધતાં કહ્યું હતું કે `િરલાયન્સ જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લોકોને વિકાસના પ્રયત્નોમાં ટેકો આપવા પ્રતિબદ્ધ છે.'  
આ માટે રિલાયન્સ એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવશે અને જમ્મુ, કાશ્મીર અને લદાખ વિષે તમે આવતા થોડા મહિનામાં અમારા તરફથી નવા નિર્ણયો અને શરૂઆત જોઈ શકશો એમ તેમણે કહ્યું હતું. 
અર્થવ્યવસ્થામાં કેટલાંક ક્ષેત્રોમાં નબળાઈ જોવાઈ રહી છે એ વિષે બોલતાં અંબાણીએ કહ્યું હતું કે આ પરિસ્થિતિ કામચલાઉ છે. ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત છે અને માળખાકીય સુધારા સાથે વિકાસની તક વધશે. હવે ભારતમાં રાજકીય સ્થિરતા છે એમ તેમણે ઉમેર્યું હતું. 
બિઝનેસને પ્રોત્સાહન આપવા અને તેનું નિયમન કરવા માટે સરકાર નવી સંસ્થાઓ સ્થાપી રહી છે એમ અંબાણીએ જણાવ્યું હતું. 
નાગરિકો માટે જીવન સહેલું બને અને આવકની અસમાનતા ઘટે એ માટે નવા, લાંબા ગાળાનાં પગલાં લેવાઇ રહ્યાં છે.  
`ભારત નવી ઊંચાઈએ જઈ રહ્યું છે અને દુનિયાની કોઈ તાકાત ભારતને નવી ઊંચાઈએ જતાં અટકાવી શકશે નહિ' એમ મુકેશ અંબાણીએ કહ્યું હતું. 
વડા પ્રધાન મોદી વારંવાર `નવા ભારત' ની વાત કરતા હોય છે. એ સંદર્ભમાં અંબાણીએ કહ્યું કે, ભારત `નવા ભારત'માં પરિવર્તિત થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ પણ તેને નવા રિલાયન્સમાં પરિવર્તિત કરશે.  ભારતના અર્થતંત્રને 2024 સુધીમાં પાંચ લાખ કરોડ ડૉલરની ઊંચાઈએ લઇ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યો છે તેને ટેકો આપતા અંબાણીએ એક પગલું આગળ જતાં કહ્યું હતું કે
2030 સુધીમાં ભારત 10 લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનશે અને તેનો ફાયદો પ્રત્યેક ભારતીયને મળશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer